મહેસાણા: વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનોના મહેસાણામાં યોજાયેલા મહાસંમેલનમાં બુલંદ અવાજે માગ કરવામાં આવી છે કે સરકારે લગ્નધારો અને લગ્નની વય સુધારવી જોઇએ તેમજ માનવ અધિકાર પંચે મા-બાપના અધિકારોને પણ વાચા આપવી જોઇએ. નગરના 84 કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે શનિવારે યોજાયેલા સંમેલનમાં એવી લાગણી વ્યક્ત થઇ હતી કે મા-બાપની ઈચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કરતી દીકરીના લગ્નની વય 18 વર્ષથી વધારીને 25 વર્ષ કરવી જોઇએ, 18 વર્ષની દીકરી પ્રેમલગ્ન કરે તો તેમાં મા-બાપની સહી ફરજિયાત લેવી જોઇએ, 25 વર્ષે પ્રેમલગ્ન કે મૈત્રીકરાર કરે તો મિલકતમાંથી નામ કમી કરવું જોઇએ. આ સંમેલનમાં ગુજરાતના 400 જેટલા વિવિધ સમાજ અને સંસ્થા-મંડળોએ આ મુદ્દે એકસૂર વ્યક્ત કર્યો હતો. મહાસંમેલનમાં મહેસાણા, બોટાદ, ખંભાત, ભરૂચ, સુરત, ભુજ, ડીસા, હિંમતનગર, અરવલ્લી પાલનપુર, અમદાવાદ, પાટણ, વિસનગર, સિદ્ધપુર સહિતના નાના-મોટા સમાજ, સંસ્થા, ગોળ, પ્રગતિ મંડળોના પ્રમુખ-મંત્રીઓ લગ્નધારામાં સુધારો કરવા માટે 4 મુદ્દામાં સંમતિ દર્શાવતા ઠરાવ લઈને આવ્યા હતા.
આ સંમેલનમાં 33 જિલ્લાના 400થી વધુ સમાજ-સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જે સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા એ સમાજોમાં પાટીદાર, બ્રાહ્મણ, ચૌધરી, બ્રહ્મભટ્ટ, રબારી, પ્રજાપતિ, સેનમા, રાવત સહિતના સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ
થાય છે.
જિલ્લા પ્રતિનિધિઓની કમિટી રચાશે
મહાસંમેલનના આયોજક ચોરાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અધિવેશનમાં ગુજરાતના વિવિધ સમાજ, સંસ્થા, મંડળોના 900 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને લગ્નધારામાં સુધારો સૂચવતા ચાર મુદ્દે 400 જેટલા સંમતિપત્ર ઠરાવ મળ્યા છે. જે સમાજ - સંસ્થાના પ્રતિનિધિઓ નથી આવી શક્યા તેમણે વ્હોટ્સએપમાં સંમતિપત્ર મોકલ્યા છે. અમે આ મુદ્દે સાત સભ્યોની કોર કમિટી બનાવી છે. હવે રાજ્યના 33 જિલ્લામાં અલગ અલગ સમાજમાંથી એક પુરુષ અને એક મહિલા મળી જિલ્લા પ્રતિનિધિઓની કમિટી બનાવીશું. દરેક જિલ્લામાં સંમેલન કરી જાગૃતિ કેળવાશે અને જે-તે જિલ્લાના પ્રતિનિધિઓ તેમના વિસ્તારના ધારાસભ્ય પાસેથી આ બદલાવ માટે સંમતિપત્ર કરાવશે. આ પહેલાં એક દરખાસ્ત તૈયાર કરીને દરેક જિલ્લા કમિટી પ્રતિનિધિને મોકલી આપશે. ત્યાર પછી વિધાનસભામાં વિધેયક માટે દરખાસ્ત કરાશે.
હાલ રાજ્યમાં કાયદા પ્રમાણે 18 વર્ષની વયે લગ્નની છૂટ હોવાના કારણે વિવિધ સમાજમાં 18 વર્ષની યુવતીને ભગાડી જવાના કે ભાગી જવાના કિસ્સા બનતા હોય છે. જેમાં કેટલાક લેભાગુ તત્વો મા-બાપની મિલકત હડપવાના પ્રયાસો પણ કરતા હોય છે. આમ થતું અટકાવી શકાય તે કારણસર નિયમની માગણી થઈ છે.