લંડનઃ પાંચ વર્ષ પહેલા એપિલેપ્સીના આકસ્મિક હુમલામાં જીવ ગુમાવનાર ૧૮ વર્ષની દીકરીની સ્મૃતિમાં માતાપિતા રાચેલ અને ભરત સુમારિયા, તેમની મોટી દીકરી એમી અને તેના બોયફ્રેન્ડ જેમ્સ હેવિટ સહિતનો પરિવાર ‘ટુક ટુક’ એટલે કે રીક્ષામાં બેસી લંડનથી તુર્કી સુધી - યુરોપના ૨૧ દેશનો પ્રવાસ ખેડશે.
એપિલેપ્સી-વાઈ વિશે જાગૃતિ કેળવવા અને ‘Sudden Unexpected Death in Epilepsy (SUDEP)’ કામગીરી માટે નાણાં એકત્ર કરવાના ઉમદા હેતુસરની તેમની ૩,૭૦૦ માઈલની છ સપ્તાહની યાત્રાનો આરંભ ૮ સપ્ટેમ્બરથી થવાનો છે. ફંડરેઈઝર્સ અને ઉદાર દાતાઓની સહાયથી પરિવારે ચેરિટી સુડેપ એક્શન માટે ૭૯,૦૦૦ પાઉન્ડ એકત્ર કરી લીધા છે. મિત્રો અને સંબંધીઓ દ્વારા પણ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.
યુરોપના ૨૧ દેશનો પ્રવાસ
આ રીક્ષાયાત્રામાં ફ્રાન્સ, હોલેન્ડ, ઓસ્ટ્રિયા, બોસ્નિયા-હર્ઝેગોવનિયા, મેસેડોનિયા, આલ્બેનિયા સહિત ૨૧ દેશનો સમાવેશ થાય છે. લંડનથી ઈસ્તંબુલની યાત્રા રીક્ષામાં ૪૦ માઈલ પ્રતિ કલાકની ગતિથી થશે. રીક્ષામાં ભરત સુમારિયા સાથે રાચેલ, એમી અને જેમ્સ હશે. જ્યારે એક અન્ય કારમાં સામાન અને કેમ્પિંગના સાધનો હશે. રંગબેરંગી સજાવેલી રીક્ષાના હૂડ પર ‘આર યુ વોચિંગ અસ, એમિલી’ ચીતરવામાં આવ્યું છે. એપિલેપ્સીથી અચાનક થતાં મૃત્યુ વિશે સંશોધન અને જાગૃતિ કેળવવા માટેની આ રીક્ષાયાત્રા સુમારિયા પરિવાર માટે ખરેખર લાગણીસભર બની રહેવાની છે.
લક્ષ્યઃ ૧ લાખ પાઉન્ડનું ભંડોળ
એમિલીને ૧૪ વર્ષની વયથી વાઈનો રોગ હતો પરંતુ, કોઈ સમસ્યા ન હતી. તે નિયમિત દવાઓ લેતી હતી છતાં, ૨૦૧૨ની ચોથી ડિસેમ્બરે અચાનક જ નિદ્રાધીન અવસ્થામાં તેનું મોત નીપજ્યું હતું. ડોક્ટરો હજુ સુધી તેની પાછળનું કારણ શોધી શક્યા નથી. તેના સંશોધન માટે ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનું ભંડોળ એકત્ર કરવાનો સુમારિયા પરિવારનો નિર્ધાર છે. મે ૨૦૧૭માં પરિવાર રજાઓ ગાળવા ગ્રીસના એથેન્સમાં હતો ત્યારે તેમને ટુક ટુક યાત્રાનો વિચાર આવ્યો હતો.
દીકરી વિના જિંદગી સુની
૫૭ વર્ષીય માતા રાચેલ કહે છે કે, ‘એમિલી વિના અમારી જિંદગી સુની છે. અમે તેની સ્મૃતિમાં કંઇક સકારાત્મક કાર્ય કરવા માગીએ છીએ. અમે એપિલેપ્સી અને SUDEP વિશે જાગૃતિ ઉભી કરવા પ્રયાસ કરીશું તેમજ ચેરિટી સુડેપ એક્શન માટે નાણા એકત્ર કરીશું. એમિલીને ગર્વ થાય તેવું સાહસ અમે કરી રહ્યાં છીએ.’
બોયફ્રેન્ડ જેમ્સ હેવિટ સાથે રીક્ષાયાત્રામાં જોડાનારી ૨૭ વર્ષીય ટ્રેઈની સોલિસીટર એમિ કહે છે કે, ‘એમિલીનો રોગ નિયંત્રણ હેઠળ જ લાગતો હતો. આથી અમે સપનાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે તેનાથી તેનું મોત થશે. તેના મૃત્યુની આગલી રાત્રે તો અમે ક્રિસમસની રજાઓ વિશે મોડી રાત સુધી વાતો કરી હતી.’
અને અચાનક એમિલી જતી રહી
એમિલી યુનિવર્સિટી ઓફ લીડ્ઝમાં સ્ટુડન્ટડ હાઉસમાં રહી જીઓગ્રાફીનો અભ્યાસ કરતી હતી. જ્યારે એમી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્નાતક થયા પછી લંડન આવી હતી. તેમના પૂર્વ એકાઉન્ટન્ટ માતા રાચેલ અને સફારી ટુર કંપનીના નિવૃત્ત ડાયરેક્ટર પિતા ભરત સુમારિયા અમેરિકાના પ્રવાસે હતાં અને ક્રિસમસની રજાઓ ક્યુબામાં ગાળવા માટે તેઓ ૨૨ ડિસેમ્બરે એમી અને એમિલી સાથે જોડાવાના હતાં. આ સમયે જ અચાનક એમિલીનાં મોતના સમાચાર આવ્યા હતા.
યુકેમાં એપિલેપ્સીના છ લાખ દર્દી
યુકેમાં છ લાખ લોકો એપિલેપ્સીની બામારીથી પીડાય છે અને દર વર્ષે ઓછામાં ઓછાં ૧૦૦૦ લોકો તેના સંબંધિત સમસ્યાથી મૃત્યુ પામે છે, જેમાંથી અડધોઅડધ SUDEP સંબંધિત હોય છે. લોકો justgiving.com વેબસાઇટમાં fundraising/tuktuktoturkey વિભાગમાં જઇને આ ઉમદા કાર્યમાં સહયોગ આપી શકે છે.