લંડન: ઇંગ્લેન્ડમાં ૯ વર્ષના જો વ્હેલે પોતાના કૌશલ્યથી અલગ પ્રકારનો બિઝનેસ શરુ કર્યો છે. પહેલા તે સ્કૂલની દીવાલો પર ડૂડલ બનાવતો ત્યારે ટીચર તેને ઠપકો આપતા હતા. જોકે, દીકરાની આ આવડત જોઈને તેના માતા-પિતાએ તેને આર્ટ ક્લાસ ચાલુ કરાવ્યાં. આટલી નાની ઉંમરે તે પોતાનો બિઝનેસ શરુ કરશે તેવી તેમને ખબર ન હતી.
ક્લાસમાં જોની ચિત્રકલા જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા હતા. જોનાં ટીચરે તેના ડૂડલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. તેણે બનાવેલા ડૂડલ સોશિયલ મીડિયામાં ઘણા શેર થયા. આ ડૂડલ જોઈને જોને એક રેસ્ટોરાંના માલિકે દીવાલ ડૂડલથી સજાવવાની ઓફર પણ કરી હતી. જોના પિતા તેને સ્કૂલ પછી રેસ્ટોરાં લઈને જાય છે જ્યાં તે દીવાલ પર ડૂડલ બનાવે છે. જોના ડૂડલને સોશિયલ મીડિયા પર લાખો લાઈક અને કમેન્ટ પણ મળે છે.
જોના પિતા ગ્રેએ કહ્યું,‘ મારો દીકરો ડૂડલ માટે ખૂબ ગંભીર છે. ડૂડલ બનાવવાની ના પાડીએ તો તે ગુસ્સે થઈ જાય છે. અમે તેને આર્ટ ક્લાસમાં મોકલવાનો નિર્ણય કર્યો તે યોગ્ય જ હતો, આટલી નાની ઉંમરમાં તેનો બિઝનેસ જોઈને મને ગર્વ થાય છે.’