લેસ્ટરઃ છેલ્લાં ત્રણ વર્ષથી યુકેની ફૂડ સિસ્ટમમાં પરિવર્તન માટે અભિયાન ચલાવી રહેલા યુથ પાર્લામેન્ટના સાંસદ અને લેસ્ટરશાયરના ૧૫ વર્ષીય દેવ શર્માને તેમના માનવતાવાદી પ્રયાસો બદલ પ્રતિષ્ઠિત ડાયેના એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સામાજિક કાર્ય માટે કોઈ યુવાનને ડાયેના એવોર્ડ મળે તે તેના માટે સર્વોચ્ચ સન્માન ગણાય છે.
રૂશી મેડના ૧૫ વર્ષીય દેવે યુકેમાં ફૂડ પોવર્ટીનો અંત લાવવા માટે વર્ષો સુધી અભિયાન ચલાવ્યા બાદ ગઈ ૧ જુલાઈએ આ એવોર્ડ જીત્યો હતો. રૂશી મેડ એકેડેમીના વિદ્યાર્થી દેવે જણાવ્યું હતું કે આ બધું ખૂબ અકલ્પનીય અને માનવામાં ન આવે તેવું હતું. આ એવોર્ડનું શ્રેય આ સફર દરમિયાન મને હંમેશા મદદરૂપ થનારા મારા માતાપિતાને ફાળે જાય છે.
દેવ યુવાનોને લાભ મળે તે માટે યુકેની ફૂડ સિસ્ટમ સુધારવાના હેતુ સાથે કાર્યરત બાઈટ બેક કેમ્પેઈનનો સભ્ય છે. તે યુકે પાર્લામેન્ટ માટે ફૂડ એમ્બેસેડર પણ છે. દેવે જણાવ્યું કે ડાયેના પોતે સક્રિય કાર્યકર હતા. તેઓ હંમેશા ઈચ્છતા કે યુવાનો પાસે વિશ્વમાં પરિવર્તન લાવવાની શક્તિ હોય. દેવને આ એવોર્ડ તેની માતાના જન્મદિને મળ્યો હતો. દેવે કહ્યું કે તેના કરતાં તેની માતાને મન આ એવોર્ડ વધુ મહત્ત્વનો છે.
ફૂટબોલ ખેલાડી માર્કસ રેશફોર્ડે યુકે સરકારને ફ્રી સ્કૂલ મિલ વિશે ખૂલ્લો પત્ર લખ્યો તે વાત સમાચારોની હેડલાઈન બની હતી. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી યોગ્ય ફૂડ સિસ્ટમ માટે અભિયાન ચલાવનારા દેવ શર્મા અને તેના સહકર્મીઓ માટે આ નિર્ણય તેમની મોટી જીત સમાન હતો. વડા પ્રધાન બોરિસ જહોન્સને સમર હોલિડેના સમયગાળા દરમિયાન ફ્રી સ્કૂલ મિલ વાઉચર્સ બંધ કરવાનો નિર્ણય ફેરવી તોળ્યો તે પછી દેવ શર્માએ આ એવોર્ડ જીત્યો છે.