લંડનઃ માસિક ખર્ચના બિલ્સ અને અન્ય દેવાંની ચુકવણી નહિ કરી શકતા બ્રિટિશરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યુકેના ઓછામાં ઓછાં ૧૦ વિસ્તારોમાં ૨૦ ટકા રહેવાસીઓ તેમના માસિક બિલ્સ ચુકવવામાં નિષ્ફળ જાય છે. મની એડવાઈસ સર્વિસ અનુસાર યુકેમાં હાલ ૮.૩ મિલિયન લોકો દેવાંના બોજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડેટ ચેરિટી સ્ટેપચેન્જ અનુસાર પેમેન્ટની ચુકવણી કરવામાં નિષ્ફળ રહેતાં ક્લાયન્ટ્સની સંખ્યા વધીને ૪૦ ટકા સુધી પહોંચી છે.
તાજેતરમાં ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીના વડા એન્ડ્રુ બેઈલીએ પણ આવક-જાવકના બે છેડાં ભેગા કરવા લોકો દ્વારા લેવાતા કરજ વિશે ચિંતા વ્યક્ત કરી ઘરના મોર્ગેજમાં ડૂબેલા પરિવારોને મદદ કરવા સરકારને વિનંતી કરી હતી. અસ્થિર આવક ધરાવતા લોકોને ધિરાણ કઈ રીતે આપવું એ જ એક મુખ્ય પ્રશ્ન છે. ચેરિટી સંસ્થા સ્ટેપચેન્જ દ્વારા ૨૦૧૬ના વર્ષમાં ૧૪,૨૫૧ પાઉન્ડનું દેવું ભરપાઈ કરવા લોકોને સહાય કરાઈ હતી, જે દેવું હવે ૨૦૧૭માં વધીને ૧૪,૩૬૭ પાઉન્ડનું થયું છે.
પર્સનલ લોન્સ, ક્રેડિટ કાર્ડ્સ અને કાર માટે લેવાતા કરજને આવરી લેતી કન્ઝ્યુમર ક્રેડિટ વાર્ષિક લગભગ ૧૦ ટકાના દરે વધતી જાય છે જેની સામે વેતનમાં વાર્ષિક ૦.૪ ટકાનો ઘટાડો થતો જાય છે. સતત દેવું ધરાવતા ૩૦ લાખ લોકોમાં ક્રેડિટ કાર્ડ્સ પરની રકમ સરેરાશ ૩,૪૬૪ પાઉન્ડ અથવા કુલ ૧૪ બિલિયન પાઉન્ડ જેટલી છે. તેઓ કરજે લેવાયેલા દર એક પાઉન્ડ સામે આશરે ૨.૫ પાઉન્ડ વ્યાજ અને ચાર્જીસ ચૂકવે છે.
મની એડવાઈસ સર્વિસ રિસર્ચ મુજબ યુકેના અન્ય વિસ્તારની તુલનાએ પૂર્વીય લંડનના ન્યૂહામમાં રહેતાં ૨૨.૭ ટકાથી વધુ લોકો ઊંચો ઋણ બોજ ધરાવે છે. આ પછીના ક્રમે ૨૨.૭ ટકા સાથે ટાવર હેમલેટ્સ, લંડન અને ૨૨.૧ ટકા સાથે સેન્ડવેલ અને વેસ્ટ મિડલેન્ડ્સના લોકો આવે છે. ઈસ્ટ ડોરસેટ, મોલે વેલી, સૂરે અને ચિલ્ટર્ન, બકિંગહામશાયરના લગભગ ૧૦ ટકાથી ઓછા લોકો ઋણબોજની સમસ્યાથી ગ્રસ્ત છે. જો કે ઋણ બોજની સમસ્યાનું સૌથી વધુ જોખમ (૧૭.૭ ટકા )નોર્થ ઈસ્ટ અને વેલ્સના લોકો પર છે.