લંડનઃ હિન્દુ કોમ્યુનિટી દ્વારા શનિવાર 8 જૂને સત્તાવારપણે ધ હિન્દુ મેનિફેસ્ટો યુકે 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હિન્દુ મેનિફેસ્ટો-ઘોષણાપત્ર યુકેમાં વસતી હિન્દુ કોમ્યુનિટીનો એક અવાજ છે. લાંબા સમયથી રાહ જોવાતી હતી તે મેનિફેસ્ટોની સમગ્ર યુકેના મુખ્ય હિન્દુ સંગઠનો દ્વારા જાહેર કરાયો છે જે માત્ર યુકેના હિન્દુઓ જ નહિ પરંતુ, સમગ્ર રાષ્ટ્ર અને તેની પ્રજાની પ્રગતિની મહત્ત્વપૂર્ણ સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
યુકેમાં વસતી હિન્દુ કોમ્યુનિટી પાર્લામેન્ટરી ઉમેદવારો અને ભાવિ સરકાર પાસેથી જે પાયારૂપ સાત ખાતરી- બાંયધરીઓ ઈચ્છે છે તેમને હિન્દુ મેનિફેસ્ટો 2024માં સ્થાન અપાયું છે. આ ખાતરીઓ બ્રિટિશ સમાજના વ્યાપક તાણાવાણાના પોતમાં રહીને હિન્દુ મૂલ્યો અને હિતોનાં રક્ષણ, ઉત્તેજન અને પ્રગતિની ચોકસાઈનો હેતુ ધરાવે છે.
ધ હિન્દુ મેનિફેસ્ટો યુકે 2024માં જેની રૂપરેખા અપાઈ છે તેવી સાત બાંયધરી આ મુજબ છેઃ
1.હિન્દુવિરોધી નફરતને ધાર્મિક નફરતના અપરાધ તરીકે માન્યતા આપવી અને આ અપરાધમાં સંકળાયેલી સંસ્થા/ સંગઠનો તથા વ્યક્તિઓને પ્રતિબંધિત કરવા
2. હિન્દુ પૂજાઅર્ચનાના સ્થળોનું રક્ષણ કરવું
3. શિક્ષણની ન્યાયપૂર્ણ સુલભતા
4. હિન્દુઓ માટે સમાન પ્રતિનિધિત્વ અને તકો
5. ઈમિગ્રેશનનું વ્યવસ્થાકરણ
6. હેલ્થકેર અને સોશિયલ કેર
7. ધાર્મિક મૂલ્યોનો સ્વીકાર અને રક્ષણ
સંપૂર્ણ ઘોષણાપત્રને ડાઉનલોડ કરવા અને વધુ વિગતો માટે https://hindusfordemocracy.org.uk ની મુલાકાત લેવા વિનંતી છે.
સંખ્યાબંધ પાર્લામેન્ટરી ઉમેદવારોએ ધ હિન્દુ મેનિફેસ્ટો યુકે 2024ને સમર્થન આપેલું છે તેમજ મેનિફેસ્ટો અને તેના લક્ષ્યો માટે પોતાનો સપોર્ટ પણ જાહેર કર્યો છે. વૈવિધ્યપૂર્ણ પશ્ચાદભૂ અને પ્રદેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ દ્વારા આ 7 ખાતરીઓની હિમાયત કરાવા સાથે આ મેનિફેસ્ટો યુકેની હિન્દુ કોમ્યુનિટીનો એકીકૃત અવાજ બનીને બહાર આવેલ છે.
હિન્દુ મેનિફેસ્ટો તમામ પાર્લામેન્ટરી ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે તેમના મતક્ષેત્રોમાં હિન્દુઓ સાથે સંવાદ અને સપોર્ટ કરવા કાર્યવાહીની હાકલ છે. ઘોષણાપત્ર યુકેની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ગૂંથણીમાં હિન્દુઓના યોગદાનને પ્રકાશિત કરે છે તેમજ એવા ભવિષ્યનું નિર્માણ કરવા ઈચ્છે છે જ્યાં આ યોગદાનોને માન્યતા પ્રાપ્ત થાય, મૂલ્ય અંકાય, રક્ષણ થાય અને તમામના બહેતર ભવિષ્ય માટે તેને આગળ વધારાય.
વધુ માહિતી મેળવવા માટે [email protected]નો સંપર્ક કરવા વિનંતી છે.