લંડનઃ સિટી ઓફ લંડનની ગ્લોબલ લો ફર્મમાં આંતરરાષ્ટ્રીય મર્જર્સ અને એક્વિઝિશન્સ લોયર, પાર્ટનર, વેન્ચર કેપિટલના વડા, ઈન્ડિયા ગ્રૂપના વડા ધ્રૂવ છત્રાલિયા BEMનો 40મો જન્મદિન 1 ઓક્ટોબર 2024ના દિવસે પ્રતિષ્ઠિત મિન્ટ લીફ એન્ડ રેસ્ટોરાંમાં ઉજવાયો હતો. આ ઈવેન્ટમાં આધ્યાત્મિક ગુરુઓ, યુકે સરકારના મિનિસ્ટર્સ, મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ, હાઉસ ઓફ લોર્ડ્સના મેમ્બર્સ, નાઈટ્સ, જજીસ, મોટા કોર્પોરેટ્સના સીઈઓ, પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડ્સના પાર્ટનર્સ, અભિનેતા અને અભિનેત્રીઓ, ગાયકો, મીડિયા પરસ્ન્સ, મોડેલ્સ, ફેશન ડિઝાઈનર્સ, ઈન્ફ્લુએન્સર્સ, અગ્રણી વકીલો, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને કોમ્યુનિટી અગ્રણીઓ સહિત 150થી વધુ વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
40 વર્ષનું સીમાચિહ્ન પાર કરવા બદલ ધ્રૂવ છત્રાલિયા BEMને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ ગિફ્ટ્સનો ખડકલો થયો હતો. મહેમાનોએ સ્વાદિષ્ટ શાકાહારી ભારતીય ભોજનનો આસ્વાદ માણ્યો હતો. અનિરુદ્ધ સ્વાની દ્વારા ડિઝાઈન કરાયેલી વિશિષ્ટ કેક પણ કાપવામાં આવી હતી.
ધ્રૂવ છત્રાલિયાએ હિન્દુઈઝમ વિશે 21 પુસ્તકો લખ્યા છે તેમજ ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા, રામાયણ, શ્રીમદ ભાગવત, શ્રી સૂક્તમ, દેવી માહાત્મ્ય, ઉપનિષદો, વેદ, યોગ અને ધ્યાન સહિતના વિષયો પર 500 કલાકથી વધુના 425 જાહેર વાર્તાલાપ આપ્યા છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના 2020ના ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં હિન્દુઈઝમને વોલર્ન્ટરી સેવા તેમજ યુવા લોકોના વિકાસની કામગીરી બદલ તેમને BEMની નવાજેશ કરાઈ હતી. તેમણે બ્રિટિશ આર્મી, હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ, હોમ ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, મેટ્રોપોલીટન પોલીસ, સ્ટેટૉ બેન્ક ઓફ ઈન્ડિયા, બાર્કલેઝ બેન્ક સહિત વિવિધ બેન્ક, બીબીસી ટેલિવિઝન અને રેડિયો, કોમનવેલ્થ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન સહિત વિવિધ સંસ્થાઓ અને કોમ્યુનિટી હોલ્સમાં હિન્દુઈઝમ વિશે પ્રવચનો આપ્યા છે. ધ્રૂવ છત્રાલિયાના લાઈવ યોગ સેશન્સ બીબીસી નેશનલ ટેલિવિઝન પર પ્રસારિત થયેલા છે.
ધ્રૂવ છત્રાલિયાએ મહાન ભારતીય ધર્મગ્રંથોમાં ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા અને શ્રી સૂક્તમ પર કુલ 3,467 પાનામાં 2.4 મિલિયન શબ્દો સાથે અંગ્રેજીમાં સૌથી લાંબા ભાષ્ય લખ્યાં છે. યુવાનોને પૂર્વીય ધર્મશાસ્ત્રો વિશે શિક્ષણ આપવા તેમણે ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા અને શ્રી સૂક્તમ પર ક્લાસીસના અંગ્રેજીમાં 180થી વધુ પ્રોગ્રામ્સ તૈયાર કર્યા છે.
સિટી ઓફ લંડનમાં ગત 12 વર્ષમાં તેમણે ક્રોસ બોર્ડર આંતરરાષ્ટ્રીય મર્જર્સ અને એક્વિઝિશન્સ , પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ટ્રાન્ઝેક્શન્સમાં નામના પ્રાપ્ત કરી છે.ભારતની બહાર વિશ્વના ટોપ-ટિયર ઈન્ટરનેશનલ લોયર્સમાં ઈન્ડિયા બિઝનેસ લો જર્નલના ઈન્ટરનેશનલ A-લિસ્ટ 2024માં તેમણે સ્થાન મેળવ્યું છે. તેમણે ક્લાયન્ટ ફીડબેક ઓફ ધ યરના અનેક એવોર્ડ્સ હાંસલ કરેલા છે તેમજ લીગલ 500 ડિક્શનેરીમાં સતત ત્રણ વર્ષ સુધી કી લોયર ઈન વેન્ચર કેપિટલ તરીકે નામાંકન મેળવેલું છે. ધ્રૂવના વડપણ હેઠળના DWF ઈન્ડિયા ગ્રૂપની સિદ્ધિઓ પર આધારિત 2024ના છઠ્ઠા વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ્સમાં DWFને લીગલ પ્રેક્ટિસ ઓફ ધ યર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયું હતું.
તંત્રી અને પ્રકાશક સીબી પટેલ અને ટીમ ABPL ધ્રૂવ છત્રાલિયાને તેમના જન્મદિને ઉષ્માસભર શુભકામના પાઠવે છે.