ધીરે ધીરે બ્રિટનની ધરતી પર વસંતઋતુનાં વધામણાં થઇ રહ્યા એવા સમયે સાઉથ લંડનનો વિશાળ ધામેચા લોહાણા સેન્ટરનો ભવ્યાતિભવ્ય બેન્કવેટીંગ હોલ આછા ગુલાબી પુષ્પોથી દૈદિપ્યમાન થયો હતો, જેને નિહાળી આમંત્રિત મહાજનો અને મહાનુભાવો આનંદિત થઇ ઊઠ્યા હતા. કારણ? આ ફૂલોચ્છાદિત માહોલ વચ્ચે આનંદ અને સજનીની સગાઇનો શુભપ્રસંગ હતો. વિખ્યાત "ધામેચાગ્રુપ, ધામેચા કેશ એન્ડ કેરી" પરિવારના ખોડીદાસભાઇ તથા લલિતાબહેનના પૌત્ર અને વીણાબહેન તથા પ્રદીપભાઇ ધામેચાના સુપુત્ર ચિ. આનંદની સગાઇ નૂતનબહેન તથા સંજયભાઇ ઠકરાર પરિવારની દિકરી ચિ. સજની સાથે શનિવાર, ૫, માર્ચે ધામધૂમથી સગાઇ કરવામાં આવી.
હેન્ડનસ્થિત ૮૨ વર્ષનાં નીરૂબહેન ભટ્ટે સંસ્કૃતના શ્લોકોચ્ચાર સાથે "સવા પાંચ આના અને ચૂંદડી"ની પરંપરાગત વિધિનો મહિમા સૌને અંગ્રેજી અને ગુજરાતીમાં સમજાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ધામેચા પરિવાર અને ઠકરાર પરિવારના કુટુંબીજનોએ ગોળ-ધાણાના શૂકન કરી એકબીજાને મળી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સમગ્ર ધામેચા પરિવારના સભ્યો ઠકરાર કુટુંબની લાડકી દિકરી સજની માટે શણગારેલા થાળમાં મોંઘામૂલની જ્વેલરી, ડિઝાઇનર પોશાક, સાડીઓ અને બાંધણી દાણાવાળી લીલી ચૂંદડી પુષ્પવાડીમાં સજાવીને ઢોલ-વાજાં સાથે હોલમાં આવ્યા ત્યારે ઠકરાર પરિવારના સૌએ હર્ષભેર વધાવ્યા હતા.
લોહાણા પરંપરાગત વિધિ મુજબ ધામેચા અને ઠકરાર કુટુંબે યોજેલ સવા પાંચ આના અને ચૂંદડીના આ શુભપ્રસંગે પ્રસંગે આનંદ અને પ્રદીપભાઇ ધામેચાના અતિઆગ્રહથી વલ્લભાચાર્ય પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી (વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશનના પ્રણેતા-માર્ગદર્શક) વડોદરાથી આ પ્રસંગે ખાસ પધાર્યા હતા અને નવયુગલને આશીર્વાદ પાઠવ્યા હતા.
જેજેશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ આશીર્વચન આપતાં કહ્યું કે, “પિતૃપૂણ્ય ચાતુરમ્" તમે ઇન્ટેલીજન્સ હોવ, બુધ્ધિશાળી હો તો તમારા થેક્સ ટુ ફાધર, પિતૃઓને આભારી છે, તમે ગૂડ હ્યુમનબીઇંગ, તમારામાં માણસાઇ હોય તો એ તમારી માતામાંથી આવે છે. ઔદાર્યમ્ વંશ પૂણ્યમ, તમારામાં ઉદારતા છે, માણસાઇ હોય એ વંશમાંથી આવે છે એટલે મન માતામાંથી અને બુધ્ધિ પિતામાંથી આવે છે અને હ્દય વંશમાંથી, પરંપરામાંથી પ્રાપ્ત થાય છે.
જે પરિવારમાં સારુ મન, સારી બુધ્ધિ અને ઉદાર હ્દય જે વંશમાથી પ્રાપ્ત થયા છે એવો સુખદ સંગમ બહુ ઓછો જોવા મળે છે. આજે ધામેચા પરિવારના મોભી ખોડીદાસભાઇને યાદ કરું તો અમારી વચ્ચે ખૂબ આત્મીયતા બંધાઇ હતી. ખોડીદાસભાઇ, લાડુમા અને લલીતાબહેને જે સંસ્કારોના બીજ વાવ્યાં એ પ્રદીપભાઇ અને એમની પેઢી આનંદમાં ઉતર્યા. પિતાશ્રી અને વડીલોેએ કહ્યું હોય એ તમે સાંભળો છો, પચાવો છો એ ખૂબ સારી વાત છે, વડીલોએ કહેલી વાત યથાર્થ રીતે જીવનમાં ઉતારજો. ખોડીદાસભાઇએ એમના જીવનના ત્રણ શબ્દો આત્મસાત કર્યા હતા એ છે લેટ ગો (જવા દેવું), કોમ્પ્રોમાઇઝ (સમાધાન), સેક્રીફાઇઝ (બલિદાન) .બધાએ આ શીખવા જેવું છે, જીવનમાં યથાર્થ રીતે ઉતારવા જેવા છે. આનંદ અને સજનીએ ભવિષ્યમાં એમની પરંપરાને જીવનમાં ઉતારીને જીવન સદકર્મી બનાવશે. આજે સૌએ પ્રસન્નતાનો અનુભવ કર્યો છે.
શ્રીનાથજી, શ્રી ગિરિરાજ પ્રભુજી, શ્રી બાલકૃષ્ણ લાલ અને શ્રી યમુના મહારાણીના સ્મરણ કરી આનંદ-સજનીનું લગ્નજીવન ખૂબ સુખી રહે અને સત્કર્મોના માધ્યમથી પોતાનું જીવન સત્કર્મોથી સંપન્ન બનાવશે. સાથે કુટુંબનું, પોતાના પરિવારનું, જ્ઞાતિ-સમાજ અને યુ.કે. તથા ભારતનું નામ રોશન કરે એવી શુભકામના. ધામેચા અને ઠકરાર પરિવારનું મિલન કેટલું સુભગ અને સુંદર છે. સંજયભાઇનો જય અને નૂતનબેન એટલે નવીનતા. આ બન્ને હોય ત્યાં હંમેશા આનંદનો અહેસાસ થાય. ધામેચા પરિવારમાં પ્રદીપનો અર્થ પ્રકાશ અને વીણાબેન એટલે સંગીતથી આનંદ પ્રસરે, લલીતાબેન એટલે નિકુંજ, એ હોય ત્યાં સુખ થાય, ખોડીદાસભાઇનો ખોળો હોય ત્યાં વહાલપ વરસે, જયાં શાંતિ હોય ત્યાં સુખ થાય અને આ બધામાંથી જ્યાં આનંદ થાય ત્યાં સૌનો જયજયકાર થાય. આ આખો ધામેચા પરિવાર આનંદમય પરિવાર છે એમ વલ્લભાચાર્યશ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ એમનું વક્તવ્ય કરતાં આખો હોલ તાળીઓથી ગૂંજી ઊઠ્યો હતો.
પ્રદીપભાઇએ દીકરાની સગાઇના શુભપ્રસંગે પિતાશ્રી ખોડીદાસભાઇને યાદ કર્યા સાથે કુટુંબના વડીલ પૂજ્ય શાંતિકાકાની તબિયત ઠીક ના હોવા છતાં તેઓ સગાઇમાં ઉપસ્થિત રહ્યા એ બદલ ખુશી વ્યક્ત કરી.