લંડનઃ સેન્ટ એલબાન્સ ક્રાઉન કોર્ટની જ્યુરીએ વોટફર્ડના બાંગલાદેશી પરિવારની ૧૯ વર્ષની તરુણી શાહીના ઉડીનની હત્યાના આરોપમાં તેની ભાભી સલમા બેગમને બે મહિનાની ટ્રાયલ પછી ૧૭ ડિસેમ્બરે દોષી ઠરાવી હતી. સલમા બેગમને કોર્ટ આજીવન કેદની સજા ફરમાવી હતી અને તેણે ઓછામાં ઓછાં ૧૮ વર્ષ જેલમાં ગાળવા પડશે. માનવવધના ગુનામાં શાહીનાના ભાઈઓ અને બહેન પણ સજા ફરમાવાઈ છે. ગત વર્ષે ૧૧ ઓક્ટોબરે શાહીનાનો મૃતદેહ માથામાં અને છાતી સહિતના શરીર પર અસંખ્ય ઈજા સાથે બાથરુમમાં મળી આવ્યો હતો. જ્યુરીએ દોષી ઠરાવ્યા પછી સલમા કોર્ટમાં જ બેભાન થઈ ગઈ હતી.
શાહીનાના સૌથી મોટા ભાઈ સુહૈલ ઉડીનને ૧૦ વર્ષ, અન્ય ત્રણ ભાઈઓમાં જુહાલ ઉડીનને નવ વર્ષ, જેવેલ ઉડીનને આઠ વર્ષ અને તોહેલ ઉડીનને સાડા છ વર્ષની લઘુતમ કારાવાસની સજા કોર્ટે ફરમાવી છે. શાહીનાની બહેન રેહેના ઉડીનને પાંચ વર્ષની સજા થઈ છે.
સલમા બેગમ શાહીના પર અમાનુષી અત્યાર ગુજારતી હતી. તેને પ્લાસ્ટિકના બેઝબોલ બેટથી ફટકારવામાં આવતી હતી તેમજ ટોઈલેટ સીટ, ઉલટીને ચાટવાની, કાગળો ખાવાની અને લાંબો સમય ઉભા રહેવાની સજા કરાતી હતી. તેના મોત પછી પરિવારે લોહીવાળા વસ્ત્રો સહિતના પુરાવા છુપાવવા કોશિશ કરી હતી. શાહીનાના સૌથી મોટા ભાઈ સુહૈલ ઉડીન અને સલમા બેગમે હત્યાનો તેમજ અન્ય ત્રણ ભાઈ અને બહેને કાવતરામાં સાથનો આરોપ નકાર્યો હતો. સુહૈલને હત્યાના આરોપથી મુક્ત કરાયો હતો.