જનતાની માગ અને વિનંતીના આધારે ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ-યુકે (FISI) દ્વારા શનિવાર, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સ્વામી વિવેકાનંદ હોલ, વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડનમાં થોર્નટન હીથ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના યુકે પ્રવાસ અને ભારત-યુકે સંબંધો વિષે ચર્ચાસભાનું આયોજન કરાયું હતું. ટુંકી નોટિસના આયોજન છતાં સભાખંડ ભરચક હતો અને ખરાબ હવામાન છતાં લોકો સમયસર આવી પહોંચ્યા હતા.
FISIના પ્રમુખ રમેશભાઈ દેસાઈ MBE, VHPના ઉપપ્રમુખ જયંતીભાઈ શિંગાડિયા, ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી. બી. પટેલ, કમલ રાવ તેમજ પ્રો. અનિલ નેનેએ પરંપરાગત દીપપ્રાગટ્ય સાથે સમારંભનું ઉદ્ઘાટન કર્યું હતું.
પેરિસ અને કેલિફોર્નિયા ત્રાસવાદના હુમલાઓ, ચેન્નાઈના પૂરનો શિકાર બનેલાઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને સ્થંભ રહેલા અશોક સિંઘલના દુઃખદ નિધન સંદર્ભે ટુંકી પ્રાર્થના પછી એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
FISIના પ્રમુખ રમેશભાઈ દેસાઈ MBEએ ૧૯૭૬માં સ્થાપિત FISIના ટુંકા ઈતિહાસ સાથે વક્તવ્યનો આરંભ કર્યો હતો. વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ ૨૫ જૂન, ૧૯૭૫માં કટોકટી જાહેર કર્યાં પછી આ સંસ્થા સ્થપાઈ હતી. FISIનું મુખ્ય લક્ષ્ય ભારતમાં લોકશાહીની પુનઃસ્થાપના માટે અભિયાન ચલાવવાનું હતું. સંસ્થાએ યુકેથી તેની લડત ચલાવી હતી. શ્રી દેસાઈએ ઓડિયન્સને જણાવ્યું હતું કે સી. બી. પટેલ પણ FISIના સ્થાપક સભ્યોમાં એક હતા અને સંસ્થાના સારા અને ખરાબ સમયમાં તેઓ FISI સાથે સંકળાયેલા રહ્યા હતા. FISIએ ભારત અને તેની પ્રજા દ્વારા સામનો કરાતા સંસ્કૃતિ, અર્થતંત્ર, રાજકારણ તેમજ સામાજિક મુદ્દાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુકે મુલાકાતમાં પણ FISIએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
હાલમાં જ યુકે પધારેલા ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન એ. એસ. રાજને ભારતીય કોમ્યુનિટી સંસ્થાઓ સાથે વાર્તાલાપ તેમજ ઈન્ડિયા હાઉસના રોજબરોજના કાર્યોમાં મદદ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.
ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે સેવા આપતા અને પ્રજ્ઞાચક્ષુ એવા આશિષ ગોયેલે (તેમનો પ્રોફાઈલ પાંચ ડિસેમ્બર, ૨૦૧૫ના એશિયન વોઈસના પાન-આઠ પર જોઈ શકાશે) ભારતના આર્થિક વિકાસ સંબંધિત જીડીપીની વૃદ્ધિ, નવા લાખો બેંકખાતા, પ્રત્યક્ષ વિદેશી રોકાણોમાં વધારો અને ભારતની રાજકોષીય ખાધમાં નોંધપાત્ર ઘટાડાના મુદ્દાઓની છણાવટ કરી હતી. તેમણે સ્વચ્છ ભારત, શાળાઓમાં ટોઈલેટ નિર્માર્ણ સહિત વિવિધ નવતર ખયાલોની પણ વાત કરી હતી.
ગુજરાતના જામનગરમાં ભાજપ યુવા પાંખના પૂર્વ ચેરમેન વિનુ સચાણિયાએ સમાજના વિકાસમાં મીડિયાની ભૂમિકા અને જવાબદારીઓ વિશે જણાવ્યું હતું. લંડનના અન્ય કેટલાક ગુજરાતી પ્રકાશનોએ ગેરમાર્ગે દોરતા જાદુમંતર અને અંધશ્રધ્ધા ધરાવતા વિજ્ઞાપનોને ખાસ સ્થાન આપ્યું છે ત્યારે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા સમાજના અસલામત લોકોનું શોષણ કરનારા તથાકથિત ફેઈથ હીલર્સ, જંતરમંતર કરનારાઓ વગેરે પાસેથી બનાવટી અને ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો સ્વૈચ્છિકપણે લેવાનું બંધ કરાયું તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આવી શોષણયુક્ત જાહેરખબરોને નકારી ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’એ દર સપ્તાહે ૧,૦૦૦ પાઉન્ડથી વધુની આવકનું સ્વૈચ્છિક બલિદાન આપ્યું છે તેનું તેમને ગૌરવ હોવાનું પણ જણાવ્યું હતું.
ચર્ચાસભાના મુખ્ય વક્તા શ્રી સી.બી પટેલે કહ્યું હતું કે ‘સમય ઝડપથી વહી રહ્યો છે અને અગાઉના વક્તાઓએ વડા પ્રધાન મોદીની યુકે મુલાકાત અને ભારત-યુકે સંબંધો પર તેની અસરો વિશે પૂરતી જાણકારી આપી દીધી છે ત્યારે તેઓ ટુંકાણમાં જ વાત કરશે.’ તેમણે ચર્ચાસભાને વધુ અસરકારક બનાવવાના પ્રયાસમાં ત્રણ પ્રશ્નો રજૂ કર્યા હતા.
(૧) બ્રિટિશ ભારતીયો ભારત અને નરેન્દ્ર મોદીને શા માટે આટલા વફાદાર છે?
(૨) જો ‘હિન્દુ જેહાદીઓ’ હોત તો હિન્દુઓનો પ્રત્યાઘાત કેવો હોત?
(૩) આપણે વડા પ્રધાન મોદીના અનેક ઈનિશિયેટિવ્સની તાકાત વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ ભારતના વડા પ્રધાન તરીકે તેમની કઈ મર્યાદાઓ અને નબળાઈઓ છે?
ઓડિયન્સમાંથી ઘણા સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આનો સાર એ જ હતો કે બ્રિટિશ ભારતીયોને યુકેમાં રહેવાનું ગૌરવ છે અને તેમના પાલક દેશ પ્રત્યે સંપૂર્ણ વફાદાર છે, છતાં પૂર્વજોની ભૂમિ પ્રત્યે તેમને ભાવનાત્મક બંધાણ છે. ભારતના વિકાસ અને પ્રગતિ બ્રિટિશ ભારતીયોના સંતોષ અને મહત્તાને વધારશે. ભારતમાં ૮૦ ટકા લોકો હિન્દુ છે અને ઈતિહાસ તપાસીએ તો ભારતે કદી કોઈ દેશ પર આક્રમણ કર્યું નથી. આ ઉપરાંત, હિન્દુઓમાં સહિષ્ણુતાની સૌથી વધુ ભાવના છે. હિન્દુત્વનો સાર તમામ ધર્મો પ્રત્યે સન્માનનો છે. આના પરિણામે, યહુદીઓ, ખ્રિસ્તીઓ, ઝોરોસ્ટ્રિયન્સ અને મુસ્લિમો શાંતિથી ભારતમાં રહ્યા છે.
મોદી સરકારની તાકાત અને નબળાઈઓની વાત કરીએ તો વડા પ્રધાન મોદીએ સામાજિક વિકાસ માટે ઘણા રચનાત્મક અને વાસ્તવવાદી પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે એટલું જ નહિ, તેમનું સાતત્યપૂર્ણ અને અથાક કાર્ય સમયપત્રક દરેક ભારતીયને અને વિશેષતઃ બ્યુરોક્રસી અને જવાબદાર કર્મચારીઓને પ્રેરિત કરે છે.
એક તબક્કે, સી. બી. પટેલે પણ અંગત નીરિક્ષણ કરતા કહ્યું હતું કે મોદીના શાસન અગાઉ ભારે સરકારી તુમારશાહી હતી અને સરકારી અધિકારીઓ મનસ્વીપણે કામ કરતા હતા. જોકે, મોદીના આગમન પછી પરિસ્થિતિમાં સારો ફેરફાર આવ્યો હતો. નીતિઓ વધુ સ્પષ્ટ બની હતી અને પરિણામે સિવિલ સર્વન્ટ્સ ફાઈલો દબાવી રાખવાના બદલે વધુ સક્રિય બન્યા હતા અને ત્વરા સાથે નીતિઓનો અમલ કરવા લાગ્યા છે. આ આવકારદાયક સંકેત અને ગૌરવની બાબત છે.
આ સભામાં અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં કેટલીક ભારતીય ચેનલોથી વિપરીત બીબીસી અથવા અન્ય કોઈ બ્રિટિશ ચેનલની માફક તટસ્થપણે સમાચારોનું પ્રસારણ કરે તેવી કાર્યક્ષમ અને હેતુલક્ષી ટેલિલિઝન ચેનલની તાતી જરૂરિયાત હોવાનો સમાવેશ કરાયો હતો.
પ્રશ્નાવલિએ લંડનમાં મેયરપદની આગામી ચૂંટણીના મુદ્દાઓ પણ ઉપસ્થિત કર્યા હતા. આવી સંસ્થાઓ કે સંગઠનોમાં સામેલ થવા અંગે કોમ્યુનિટીના યુવાન સભ્યોમાં નિરુત્સાહનો મુદ્દો પણ આવ્યો હતો.
આ પ્રકારના પ્રશ્નો/ઉત્તરો થકી ચર્ચાસભા રસપ્રદ અને જીવંત બની હતી.
‘ગુજરાત સમાચાર'ના ન્યૂઝ એડિટર કમલ રાવે સ્વાગત કરવા સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. યુનિવર્સિટી ઓફ સરેના અનિલ નેનેએ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે FISIના જયેન્દ્રભાઈ શાહે સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ વર્ણવ્યો હતો. યુએસએમાં પશ્ચિમી નાગરિકે સ્વામીજીના ભગવા પોશાક વિશે તેમને પશ્ન કર્યો હતો કે શા માટે તેઓ ‘યોગ્ય’ વસ્ત્રો પહેરતા નથી. સ્વામીજીએ ઉત્તરમાં જણાવ્યું હતું કે, ‘પશ્ચિમમાં તમે માણસ વિશે તેના કપડાના આધારે અભિપ્રાય બાંધો છો, જ્યારે પૂર્વમાં અમે માનવીના ચરિત્રના આધારે અભિપ્રાય બાંધીએ છીએ.’
જયેશ પટેલે તમામ વક્તાઓ અને આમંત્રિતોનો આભાર માન્યો હતો. મજેદાર શાકાહારી ભોજનના આસ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
(જયેશ પટેલ FISI દ્વારા અપાયેલી વિગતો પર આધારિત)