લંડનઃ આધ્યાત્મિક ઉત્થાનના અને વ્યાપક ઊજવાયેલા ઈવેન્ટમાં JITO UKએ 30થી વધુ સંસ્થાઓના સહકાર થકી વિશ્વના 108થી વધુ દેશને આવરી લેતા ઐતિહાસિક ગ્લોબલ ઈવેન્ટ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઊજવણીમાં યુકે અને યુરોપને સફળતાપૂર્વક સાંકળ્યું હતું. આ ઊજવણી બુધવાર 9 એપ્રિલે યોજાઈ હતી અને યુકે, આયર્લેન્ડ, જર્મની, પોલેન્ડ, સ્પેન, બેલ્જિયમ, ઈટાલી સહિતના દેશોના લાખો જૈન અને જૈનેતર લોકો ઓનલાઈન અને વ્યક્તિગત રૂપે નવકાર મહામંત્રના ઊચ્ચારણમાં સામેલ થયા હતા.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મંત્રોચ્ચારણની આગેવાની સંભાળી હતી. તેમણે ભારતની બૌદ્ધિક અને સાંસ્કૃતિક ઓળખમાં જૈનદર્શનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે નવકાર મહામંત્રને જૈનદર્શનના આત્મા તરીકે વર્ણવી યુદ્ધ અને આતંકવાદ જેવા વૈશ્વિક પડકારો સામે ઉપાયરૂપ સ્વનિયંત્રણ, શાંતિ અને પર્યાવરણીય સંવાદિતાના જૈન સિદ્ધાંતોને યશ આપ્યો હતો.
આ ઈનિશિયેટિવને યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ, પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ (મિનિસ્ટર ફોર સર્વિસીસ, સ્મોલ બિઝનેસીસ એન્ડ એક્સપોર્ટ્સ) ગારેથ થોમસ સહિત નાગરિક નેતાઓ અને મહાનુભાવોએ પણ સમર્થન આપ્યું હતું. સમગ્ર યુકેની યુનિવર્સિટીઓમાંથી જૈન સોસાયટીઓ પણ ઉમદા કાર્યમાં જોડાઈ હતી અને આધ્યાત્મિક એકતાની આ વૈશ્વિક અભિવ્યક્તિમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સને પ્રોત્સાહિત કર્યા હતા.
નવ પવિત્ર કંડિકાના બનેલા નવકાર મહામંત્ર જ્ઞાનને પ્રાપ્ત તમામ લોકોને પવિત્રતા અને આદર બક્ષે છે, જેમાં કોઈ ચોક્કસ મૂર્તિ કે તીર્થંકરનો નામોલ્લેખ થતો નથી. પ્રથમ શબ્દ ‘નમો’નો અર્થ હું નમન કરું છું થાય છે અને તમામ જીવો માટે વિનમ્રતા અને પરસ્પર આદર સ્પષ્ટ કરે છે. આ કાલાતીત મંત્રોચ્ચાર ધર્મ, ભાષા, અને સંસ્કૃતિને લક્ષમાં લીધા વિના સહુ માટે ખુલ્લો છે, આધ્યાત્મિક અવકાશ છે જ્યાં તમામને આવકાર છે. 6000થી વધુ લોકોએ વર્ચ્યુઅલ ભાગ લીધો હતો જ્યારે 20થી વધુ કોમ્યુનિટી સેન્ટર્સમાં એકત્ર થયેલા સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારિત શાંતિ, એકતા અને આધ્યાત્મિક ચેતનાને ઉત્તેજન આપતા નવકાર મહામંત્રથી સમગ્ર પ્રદેશ ગુંજી ઉઠ્યો હતો.
JITO UKના સેક્રેટરી અનુરાગ જૈને શાંતિ માટે કાર્યરત બળોમાં એકતાના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે ઈવેન્ટનો આરંભ કરાવ્યો હતો. આ પછી નવકાર મહામંત્રનું પઠન-ઉચ્ચારણ શરૂ કરાયું હતું. JITOએપેક્સ બોર્ડના સભ્યોએ પણ સંદેશા આપ્યા હતા જેમાં જૈન મૂલ્યોમાં ઊંડે સુધી રહેલા એકસંપ વૈશ્વિક ઉચ્ચારણ ઈનિશિયેટિવ વિશે તેમના વિચારો રજૂ કરાયા હતા. ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના ઓડિયન્સ સમક્ષ પોતાના વિઝન અને નવકાર મહામંત્ર દિવસના મહત્ત્વ વિચારો વિચારો દર્શાવ્યા હતા તેનું પ્રસારણ પણ સ્મરણીય પળ બની રહી હતી.
સમાણી મલય પ્રજ્ઞાજી અને સમાણી નીતિ પ્રજ્ઞાજીએ ઉપસ્થિત લોકોને સામૂહિક અને ધ્યાનસ્થ ઉચ્ચારણમાં માર્ગર્શન પુરું પાડવા સાથે ઉચ્ચારણ સત્રનો પ્રારંભ થયો હતો. આ ઈવેન્ટમાં સ્લાઉના મેયર શ્રી બાલજિન્દર સિંહ, ગેરાર્ડ્સ ક્રોસ મેયર પ્રેરણા ભારદ્વાજ, હિલિંગ્ડન ઈન્ટરફેઈથના અધ્યક્ષ રેવરન્ડ એન્ડી થોમસ સહિતના મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કોમ્યુનિટીને ભારે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. ઈવેન્ટમાં સામેલ સ્થાનિક હિન્દુ મંદિરોના અગ્રણીઓ અને કોમ્યુનિટીના પ્રતિનિધિઓએ પણ મંત્રોચ્ચારણના અનુભવ અને આનંદને વ્યક્ત કર્યા હતા. સ્થાનિક કેન્દ્રોમાં બાળકોએ સ્તવનોનો પાઠ કર્યો હતો જ્યારે વયસ્કોએ અંગત અનુભવો જણાવ્યા હતા. ભાગ લેનારા લોકોએ તેમના જીવનમાં નવકાર મંત્રની પ્રચંડ અસર વિશે જણાવ્યું હતું.
JITO Ukના ચેરમેન નીતિનભાઈ જૈને આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને આ ઈવેન્ટને ભારે સફળ બનાવવામાં ઉત્સાહી ભાગીદારી અને સપોર્ટ આપવા બદલ તમામ કોમ્યુનિટીઓ, વોલન્ટીઅર્સ, યુરોપભરની પાર્ટનર સંસ્થાઓ પ્રતિ આભારની હાર્દિક લાગણી વ્યક્ત કરી હતી.
જૈન તત્વદર્શનના હાર્દમાં રહેલો નવકાર મંત્ર ધાર્મિક સીમાડાઓને ઓળંગી અહિંસા, અનુકંપા અને આધ્યાત્મિક ઉત્થાનનો સાર્વત્રિક સંદેશો છે. વર્તમાન વિશ્વમાં આત્મચિંતન અને એકતાનું આ સામૂહિક કાર્ય વૈશ્વિક પરિવર્તનની પ્રેરણા અર્થે આંતરિક રૂપાંતરણની શક્તિની સમયસરની યાદ અપાવવાનું કાર્ય કરે છે. JITO UK બિઝનેસમાં નૈતિકતા, કોમ્યુનિટીના ઉત્થાન અને આધ્યાત્મિક મૂલ્યોને આગળ વધારવાને સમર્પિત જૈન પ્રોફેશનલ્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને કલ્પનાશીલ લોકોના ગ્લોબલ નેટવર્ક, જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) નું રીજિયોનલ ચેપ્ટર છે.