લંડનઃ વડા પ્રધાન થેરેસા મે આ મહિનામાં બ્રેક્ઝિટ વાટાઘાટોનો સત્તાવાર આરંભ કરે તે દિવસે જ નવા ઈયુ માઈગ્રન્ટ્સ માટે મુક્ત અવરજવરનો અંત લાવવાની જાહેરાત કરે તેવી ધારણા છે. આર્ટિકલ-૫૦ હેઠળની પ્રક્રિયા આરંભાયા પછી બ્રિટન આવનારા ઈયુ નાગરિકો યુકેમાં કાયમી ધોરણે વસવાટનો અધિકાર મેળવી શકશે નહિ. બ્રિટન ઈયુ છોડે તે પછી દાખલ થનારા માઈગ્રેશન અંકુશો તત્કાળ તેમના પર લાગુ થશે. આ અંકુશોમાં નવા વિઝા નિયમો અને લાભોની મર્યાદિત સુવિધાનો સમાવેશ થાય છે.
સરકારનું આર્ટિકલ-૫૦ બિલ પાર્લામેન્ટમાં પસાર થયા પછી આ જાહેરાત કરાશે, જે મુજબ ઈયુ માઈગ્રન્ટ્સ માટેની કટ-ઓફ તારીખ ૧૫ માર્ચની આસપાસ રહેશે. વડા પ્રધાન મેએ એવો નિર્ણય લીધો હોવાનું મનાય છે કે યુરોપમાં અન્યત્ર રહેતા બ્રિટિશ નાગરિકોને અધિકારોના રક્ષણની ખાતરી મળશે ત્યાં સુધી કટ-ઓફ તારીખ પહેલાં બ્રિટન આવેલા ઈયુ માઈગ્રન્ટ્સના અધિકારોની રક્ષા કરાશે. વડા પ્રધાને અન્ય ઈયુ દેશોને આ મુદ્દે વેળાસર સમજૂતી પર આવવા અપીલ કરી છે, જેથી તેને બ્રેક્ઝિટ વાટાઘાટોમાંથી દૂર કરી શકાય.
થેરેસા મેને આ મુદ્દે ઈયુ સાથે સંઘર્ષમાં ઉતરવું પડી શકે છે કારણકે ઈયુ નેતાઓ કટ-ઓફ તારીખને ૨૦૧૯ સુધી લંબાવવા દબાણ કરી રહ્યા છે. જોકે, મિનિસ્ટર્સને અવી ચિંતા છે કે કટ-ઓફ તારીખને વાટાઘાટોના અંત સુધી લંબાવાય તો બ્રેક્ઝિટ પહેલા યુકે આવનારા ઈયુ માઈગ્રન્ટ્સનો ધસારો વધી જશે.
યુરોશંકિત કન્ઝર્વેટિવ સાંસદ ઈઆન ડંકન સ્મિથે જણાવ્યું હતું કે કટ ઓફ તારીખ જાહેર કરી દેવાય તો મિસિસ મે બ્રિટિશ સરહદો પર કંટ્રોલ મેળવી રહ્યા છે તેમ જણાશે અને હાલ યુકેમાં રહેતા ૩.૬ મિલિયન ઈયુ માઈગ્રન્ટ્સ માટે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.