બર્મિંગહામઃ માત્ર ૨૧ મહિનાની બાળકી આઈશીઆ જેન સ્મિથની ક્રૂર હત્યાના ગુનામાં માતા કેથરિન સ્મિથને દોષિત ઠેરવીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટના જજ મિસીસ જસ્ટિસ જેરાલ્ડિન એન્ડ્રયુઝે આજીવન કેદની સજા ફરમાવી હતી, જેમાં તેણે ઓછામાં ઓછાં ૨૪ વર્ષ જેલમાં રહેવું પડશે.
સ્ટેફર્ડશાયરમાં બર્ટન અપોન ટ્રેન્ટ ખાતે ફ્લેટમાં રહેતી ૨૩ વર્ષીય કેથરિને ગત ૧ મે ૨૦૧૪ના રોજ આઈશીઆનું માર મારીને ગૂંગળાવીને મોત નીપજાવ્યું હતું. ગુનામાં સાથ આપવા બદલ તેના પૂર્વ પાર્ટનર ૨૨ વર્ષીય મેથ્યુ રિગ્બીને પણ સાડા ત્રણ વર્ષની કેદ ફરમાવાઈ હતી. રિગ્બીએ પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું.
છ સપ્તાહ સુધી ચાલેલી ટ્રાયલની કાર્યવાહી દરમિયાન રોતી રહેલી કેથરિને સતત કહ્યું હતું કે આઈશીઆની હત્યા સાથે તેને કોઈ સંબંધ નથી. એક બાળકીનું જીવન ટૂંકાવી નાખવાની ક્રૂરતા દાખવવા માટે પણ તેને ગુનેગાર ઠેરવાઈ હતી. જજે કેથરિનને કપટી, જૂઠ્ઠી અને પોતાનો સ્વાર્થ પૂરો કરવા તમામ હદ વટાવનારી મહિલા ગણાવીને કહ્યું હતું કે બાળકીની તેના ઘરમાં માતા દ્વારા જ હત્યા કરવામાં આવી તેનાથી વધુ નિર્દયતા હોઈ શકે નહીં.