લંડનઃ નીસડનના શીલાબહેન રાબડિયાના પરિવારે અંગદાન માટે અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય પરિવારો (BAME)ને હાકલ કરી છે. મે મહિનામાં શીલા રાબડિયાના ૬૩ વર્ષીય પિતા નારણભાઈ રાબડીઆના હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. ડાયાબીટિસ સહિતની સમસ્યા હોવા છતાં નારણભાઈએ ઓર્ગન ડોનર તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેની પરિવારને જાણ પણ ન હતી. તેમની કિડની અને લિવરનું દાન બે વ્યક્તિના જીવ બચાવવામાં કારણ બન્યું હતું.
શીલાબહેને જણાવ્યું હતું કે ‘પિતાના મૃત્યુ પછી નોર્થવિક પાર્ક હોસ્પિટલની ડોનશન ટીમે અમારો સંપર્ક કર્યો હતો અને અમે પિતાના અંગોનું દાન કરવા ઈચ્છીશું તેવો પ્રશ્ન કર્યો હતો. અમે જરા પણ ખચકાટ વિના તે માટે સંમતિ આપી હતી. જોકે, પાછળથી જાણ થઈ હતી કે મારા પિતા NHSના ઓર્ગન ડોનેશન રજિસ્ટર પર હતા. તેમણે માત્ર જીવતા જ નહિ, મૃત્યુ પછી પણ દાન આપ્યું છે.’
તેમણે પિતા માટે ગર્વ વ્યક્ત કરવાં સાથે દરેકને અને ખાસ કરીને BAME કોમ્યુનિટીઝને આ રજિસ્ટર પર નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો.