'એક નુર આદમી, હજાર નુર કપડા અને લાખ નુર નખરા' ઉક્તિ કદાચ તમે સાંભળી હશે. માનવી કે કપડાની કિંમત કરતા નખરાનું મુલ્ય ઘણી વખત વધી જતું હોય છે. પરંતુ તેમાં જો ઉમેરો કરવો હોય તો કપડા ન પહેર્યા હોય કે અોછા પહેર્યા હોય તેવી નિર્વસ્ત્ર કે અર્ધનગ્ન વ્યક્તિ તરફનું આકર્ષણ વધી જતું હોય છે. ચાહે તે સ્ત્રી હોય કે પુરૂષ, સ્વરૂપવાન હોય કે ન હોય. પરંતુ તેના તરફ કે તેના કપડા તરફ એક નજર તો અવશ્ય પડે જ. સૌજન્ય એ છે કે તેની સામે તાકીને ન જોવાય. ઘણી વખત એમ બને કે આપણુ મન પણ કાબુમાં ન રહે અને જાણતા અજાણતા જોવાઇ જ જવાય. ઘણી વખત સામેની વ્યક્તિને પણ લોકો તેમની સામે જુઅે.... વારંવાર જુએ તે ગમતું હોય છે અને માટે જ તો તેમણે તેવા કામુક વસ્ત્રો પહેર્યા હોય છે.
રૂપ અને ગુણ હંમેશા સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે અને એમાં પણ જો રુપ નિર્વસ્ત્ર હોય તો ! તો તે ઘણા બધા લોકોના આકર્ષનું કેન્દ્ર બને છે. આ કારણે જ ફિલ્મો નાટકો કે મોડેલીંગ કરતી યુવતીઅો પોતાના વસ્ત્ર પરિધાન માટે ખાસ કાળજી રાખે છે. કેન્સ ફિલ્મ ફેસ્ટીવલની જ વાત કરો ને! ઉપસ્થિત સૌ અભિનેત્રીઅોના વસ્ત્રનો એક નાનકડો કટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. માટે જ કહેવાયું છે કે મન તો માંકડા જેવું હોય છે. ઘણી વખતે અમુક વેવલા લોકો નગ્નતાના પ્રદર્શન સામે રોષ કે વિરોધ વ્યક્ત કરે છે. કદાચ તેઅો તેમની રીતે સાચા પણ હશે.
અમેરિકાના મેનહટ્ટન ખાતે રહેતા સ્વ. ડેવિડ રોકફેલર અને તેમના પત્ની પેગીએ પોતાના સંગ્રહમાંની અલભ્ય તસવીરોની હરાજી કરી હતી. મરતા પહેલા બધું દાનમાં આપી દેવાના ઇરાદે કરાયેલી હરાજીમાં ફૂલોની બાસ્કેટ સાથે ઉભી રહેલી એક નગ્ન યુવતીની તસવીરના $૧૧૫ મિલીયન ઉપજ્યા હતા. જ્યારે મહિલા અર્ધવસ્ત્રો પહેરીને સુઇ રહેલી છે તેવી મેટીસેની તસવીરના $૮૧ મિલિયન ઉપજ્યા હતા. આ બન્ને તસવીરો સામાન્ય કહી શકાય તેવી લાગે. કોઇને કદાચ તેમાં કશું જ બિભત્સ જેવું ન લાગે અને કલા જેવું પણ ન લાગે. પરંતુ તેમ છતાં તેનું મુલ્ય મિલીયન્સ પાઉન્ડ થયું છે.
આપણી જ બોલીવુડ ફિલ્મોનો દાખલો લો ને! ફીલ્મ અભિનેતા સલમાન ખાન ૫૦ વર્ષ ઉપરના થયા છતાં હજુ આજે ય તેમની ફિલ્મોના ડાયરેક્ટર્સ એકાદ સીનમાં તો તેમને શર્ટ વગર બતાવે જ છે. સલમાનનું જોઇને બધા અભિનેતાઅો હવે બોડી બનાવવા અને બતાવવા લાગી ગયા છે. થોડા વર્ષો પહેલા બોરાટ સેગડીયેવે એમ જ મેન્સ બીકીની પહેરી લીધી હતી. તેની એ તસવીરોને એટલી તો લોકપ્રિયતા મળી હતી કે ન પૂછો વાત. જાણે કે તેની કરિયર બની ગઇ.