નિસ્ડન ટેમ્પલમાં ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો

Wednesday 24th July 2024 05:23 EDT
 
 

લંડનઃ સમગ્ર વિશ્વ લાખો હિન્દુઓ અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે. આ પવિત્ર પ્રસંગે શિષ્યો તેમના ગુરુને જીવનના પથદર્શક, આધ્યાત્મિક માર્ગદર્શક અને ઈશ્વર સુધી પહોંચવાના સેતુ તરીકેની મહાન ભૂમિકા બદલ તેમના ગુરુઓનું સન્માન કરી આભાર વ્યક્ત કરે છે.

નિસ્ડન ટેમ્પલ નામથી લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે રવિવાર 21 જુલાઈ 2024 રવિવારના રોજ ભારતથી મુલાકાતે આવેલા વરિષ્ઠ અને વિદ્વાન સ્વામીઓ નારાયણચરણદાસ સ્વામી અને સોમપ્રકાશદાસ સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ભક્તિગીતો, વીડિઓઝ અને ઉપદેશ પ્રવચનોની વિશેષ સભા સાથે આનંદપૂર્વક ઊજવાયો હતો.

સાંજના કાર્યક્રમનો આરંભ વિવિધ પ્રકારના વાદ્યોની સંગતમાં ભક્તિગીતો સાથે કરવામાં આવ્યો હતો. યુવાનો દ્વારા પ્રસ્તુત ભક્તિગીતોમાં ગુરુના માર્ગદર્શનનું અનુસરણ કરનારાને પ્રાપ્ત થતાં આધ્યાત્મિક લાભોનું વર્ણન કરાયું હતું. પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વભરમાં આધ્યાત્મિક પ્રવાસો કરતા હતા ત્યારે તેમની અંગત સારસંભાળ રાખનારા નારાયણચરણદાસ સ્વામીએ ધર્મસભાને સંબોધન કર્યું હતું. આ ઉપદેશમાં તેમણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનના અનોખા અને પ્રેરણાદાયી પ્રસંગો તેમજ તેમની સાથેના સહવાસના સંસ્મરણોમાં સહુને સહભાગી બનાવ્યા હતા. જેમાથી ઘણા પ્રસંગો લંડનમાં યોજાયા હતા અને ધર્મસભામાં ઉપસ્થિત ભાવિકો તેમાં રસતરબોળ બની રહ્યા હતા.

તેમના વર્ણનોને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદના પસંદગીયુક્ત વીડિયોઝ, ફોટોગ્રાફ્સ અને ઓડિયોનો સાથ મળ્યો હતો જેના થકી તેઓના સંતસ્વરૂપ લક્ષણો, ઈશ્વર પ્રતિ સમર્પણ તથા સર્વ પ્રત્યે પ્રગાઢ સ્નેહ અને કરુણાના ગુણો ઉજાગર થયા હતા.

ઉત્કૃષ્ટ વક્તા અને ગાયક સોમપ્રકાશદાસ સ્વામીએ ભજનોના સંગાથે જોશપૂર્ણ ઉપદેશો મારફત ઊજવણીને વિશેષ રંગ લગાવ્યો હતો. તેમણે પણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાથે તેમના કેટલાક અંગત સંસ્મરણોને રજૂ કર્યા હતા અને તેમની કરુણા તેમજ તેમના ગુરુઓ પ્રતિ તેમના સમર્પણથી અગણિત આત્માઓના આધ્યાત્મિક માર્ગને કેવી રીતે પ્રકાશિત કર્યો હતો તેની સમજ આપી હતી.

સ્વામીજીઓ અને ભક્તોએ તેમના ગુરુઓની પવિત્ર છબીઓના ગુરુ પૂજન સાથે આનંદપૂર્વકની ઊજવણીનું સમાપન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter