લંડનઃ ઓક્સફર્ડ સ્ટ્રીટ જેવા ભરચક વિસ્તારમાં નેઈલ બોમ્બનો વિસ્ફોટ કરવાની યોજનાનો ઈરાદો રાખતા ૧૯ વર્ષીય તરુણ હારુન અલી સઈદને ત્રીજી જુલાઈએ આજીવન કેદની સજા ફરમાવાઈ છે. તેને પેરોલ મળી શકે તે અગાઉ ઓછામાં ઓછાં ૧૫ વર્ષ જેલમાં રહેવું પડશે. તેણે પોતાના ફોન માટેનો પિનકોડ ‘ISIS’ રાખ્યો હતો.
હંસલોના હારુને ૨૦૧૬ની ૧૨ એપ્રિલ અને ૯ સપ્ટેમ્બર વચ્ચે ટેરરિઝમ એક્ટ ૨૦૦૬ના સેક્શન-૫થી વિરુદ્ધ ત્રાસવાદના કૃત્યોની તૈયારી કરવાનો ગુનો ગત ૨૭ એપ્રિલે કબૂલ કર્યો હતો. તેની આઠ સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેણે મશીનગન, હેન્ડગન્સ, સુસાઈડ વેસ્ટ અને બોમ્બ મેળવવા પ્રયાસો કર્યા હતા. લોન અરજીઓ થકી નાણા મેળવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો ત્યારે તેણે ખીલીઓ સાથે ભરેલા તૈયાર બોમ્બ મેળવવા પ્રયાસ કર્યો હતો. તેનો ઈરાદો ઓક્સફર્ડ સ્ટ્રીટ જેવા ભરચક વિસ્તારમાં વિસ્ફોટ કરવાનો હતો.
તેણે એપ્રિલ ૨૦૧૬માં શસ્ત્રો મેળવી આપવામાં મદદ માટે અજાણતા જ સિક્યુરિટી સર્વિસીસ ઓફિસર સાથે ઓનલાઈન વાત કરવાની શરૂઆત કરી હતી. તેણે ઓફિસરને શસ્ત્રો મેળવવા અને ભરચક વિસ્તારોમાં રિમોટથી વિસ્ફોટ કરવાની પોતાની મહત્ત્વાકાંક્ષા જણાવી હતી. આ પછી તેના ઈલેક્ટ્રોનિક સાધનોની ફોરેન્સિક તપાસમાં પ્રચાર, બોમ્બ બનાવવાની ગાઈડ્સ તેમજ સ્ત્રીઓ અને બાળકોની હત્યાને વાજબી ઠરાવતા લેખો માટે સંખ્યાબંધ ઈન્ટરનેટ શોધખોળ નજરે ચડી હતી.