લંડનઃ નોર્થવિક પાર્ક હોસ્પિટલની આસપાસની જાહેર જમીનનો ઉપયોગ સ્કૂલના નિર્માણ માટે થઈ શકે કે નહીં તે મુદ્દે કાઉન્સિલના વડાઓની છ મહિનાની ચર્ચા જુલાઈના અંતમાં પૂરી થઈ હતી. તેનો જવાબ હાલ પૂરતો તો ‘ના’ જ છે.
નીસડન મંદિર દ્વારા સંચાલિત બ્રેન્ટફિલ્ડ રોડ પર આવેલી સ્વામીનારાયણ સ્કૂલને બંધ કરવાની આઘાતજનક જાહેરાત ગયા મહિને કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓએ ઘટતી આવક અને વધી ગયેલી સ્પર્ધાને લીધે સ્કૂલને ૨૦૧૯થી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પેરન્ટ્સ સાથે ઉગ્ર ચર્ચા સાથેની શ્રેણીબદ્ધ મિટિંગ બાદ સ્કૂલ બંધ કરવાના નિર્ણયના અમલને પહેલા ૨૦૨૦ સુધી અને બાદમાં ૨૦૨૧ સુધી ટાળવા સંમતિ સધાઈ હતી. હવે તેને ૨૦૨૨માં બંધ કરવાનું નક્કી કરાયું છે. જોકે, પ્રિપરેટરી સ્કૂલ ત્રણ વર્ષ સુધી ચાલુ રહેશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
હાઉસ ઓફ કોમન્સની ચર્ચામાં ગત ૧૮ જુલાઈએ હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને હિંદુ સ્કૂલની બદલી માટે નોર્થવિક પાર્કનો ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૬માં બ્રેન્ટમાં સ્કૂલ બાંધવાની મંજૂરી મેળવનાર અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ હજુ પણ જગ્યા શોધી રહ્યું છે.
સરકારની જાહેર મિલ્કત તરીકે બ્રેન્ટ કાઉન્સિલ નોર્થવિક પાર્કનો વિકાસ કરવા માગે છે. તે અંતર્ગત વિકાસ માટે જાહેર જમીનના ઉપયોગને મંજૂરી અપાઈ છે.
બીજી બાજુ, ડકર તરીકે ઓળખાતો આ જમીનના અમુક ભાગની માલિકી સ્વામીનારાયણ સ્કૂલનું સંચાલન કરતી BAPSની છે
આ જમીનને મેટ્રોપોલિટન ઓપન લેન્ડ તરીકે વર્ગીકૃત કરાઈ છે અને કાઉન્સિલના ડોક્યુમેન્ટ્સમાં તેનું વર્ણન ‘વેલ્યુએબલ બાયોડાયવર્સિટી સાઈટ’ તરીકે કરાયું છે તેથી બન્ને સામે પ્રજાને વિરોધ છે.
કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું,‘હાલમાં નોર્થવિક પાર્ક સાઈટ ખાતે નવી સ્કૂલની કોઈ યોજના નથી. બ્રેન્ટમાં પ્રાઈમરી સ્કૂલો માટે પૂરતી સંખ્યામાં જગ્યા છે.
સ્વતંત્ર સ્વામીનારાયણ સ્કૂલ બંધ કરવાના નિર્ણયને ધ્યાનમાં લેતા જગ્યા મળે તો ત્યાં બન્ને સંસ્થાઓ સાથે મળીને સ્કૂલનું નિર્માણ કરી શકે કે કેમ તેની શક્યતા ચકાસવા સંભવિત નવી અવંતિ ફ્રી સ્કૂલના ટ્રસ્ટીઓ માટે સ્વામીનારાયણ સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરવાની સારી તક મળે.
BAPSના પ્રવક્તાએ જણાવ્યું હતું,‘ જમીનની બાબતે ટ્રસ્ટીઓની તત્કાળ કોઈ યોજના નથી.