લંડનઃ નવવધૂઓનાં શ્વેત ગાઉનમાં સજ્જ ૨૭ વર્ષની શારની એડવર્ડ્સ અને ૨૬ વર્ષીય રોબીન પીપલ્સે ૧૧ ફેબ્રુઆરીએ સજાતીય લગ્ન કરી નોર્ધર્ન આયર્લેન્ડમાં ઈતિહાસ સર્જ્યો છે. વર્ષો સુધી ચલાવાયેલા અભિયાન પછી નોર્ધર્ન આયર્લેન્ડમાં ગયા મહિને જ સજાતીય લગ્નને કાયદેસરતા પ્રાપ્ત થઈ છે. તેમનું ‘સ્વપ્ન જીવંત’ બન્યું છે એમ કહેનાર દંપતી લગ્ન પછી બે સપ્તાહના બનીમૂન માટે સાયપ્રસ જવાં રવાના થયાં હતાં.
મૂળ ઈસ્ટ સસેક્સના બ્રાઈટનની વેઈટ્રેસ શારની એડવર્ડ્સ-પીપલ્સે જણાવ્યું હતું કે,‘આ અકલ્પનીય છે, અમારું સ્વપ્ન સાચું થયું છે. અમે સાથે રહેવાને છ વર્ષ થયાં છે. અમે સિવિલ પાર્ટનરશિપમાં આગળ વધવાં માગતાં હતાં પરંતુ, બિલ પસાર થવાથી અમારાં માટે તદ્દન યોગ્ય મોકો ઉભો થયો હતો. આ આનંદપૂર્ણ જોગાનુજોગ જ છે. અમે પ્રથમ યુગલ બનીશું તેવી કલ્પના પણ ન હતી.’
નોર્ધર્ન આયર્લેન્ડના બેલફાસ્ટમાં સીનિયર કેર વર્કર રોબીન એડવર્ડ્સ-પીપલ્સે જણાવ્યું હતું કે,‘અમને સમાન ગણવામાં આવે તેવી તક માટે અમે લાંબો સમય લડત આપી છે. હવે આ થયું છે તે ખરેખર અદ્ભૂત છે. અમારો પ્રેમ પુરુષ અને સ્ત્રીના પ્રેમથી જરા પણ ઉતરતો નથી. અમે વિશ્વભરમાં હેડલાઈન્સ બનાવી છે તે કલ્પનામાં પણ આવતું નથી.’
વેસ્ટમિન્સ્ટર સાંસદોએ ગત ઉનાળામાં સજાતીય લગ્નને માન્યતા આપતું બિલ પસાર કર્યું તેના મહિનાઓ પહેલા એડવર્ડ્સ-પીપલ્સે સિવિલ પાર્ટનરશિપ સમારંભ માટે બુકિંગ કરાવ્યું હતું. દંપતીએ તેમની લડતમાં સાથ આપનારા તમામનો આભાર પણ માન્યો હતો.