‘સ્મૃતિના સરોવર’ અને ‘વીણેલા ફૂલ’નાં સર્જક કાન્તાબહેન પટેલનો તા. ૫ માર્ચ, શુક્રવારે સવારે ૯૬ વર્ષની વયે દેહાંત થયો છે. આદરણીય કાન્તાબહેનને ન્યૂમોનિયાની અસર થતાં ગયા અઠવાડિયે બાર્નેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયાં હતાં. એક આદર્શ દંપતિ તરીકે જેમની ગણના થતી એવા કાન્તાબહેન અને પ્રભાકાન્તભાઇની જૂગલજોડી ખંડિત થતાં “દો હંસો કા જોડા બીછડ ગયો રે, ગજબ હો ગયા રામ”ની પંક્તિઓ યાદ આવતાં આંખોમાં અશ્રુ ઉભરાયાં. પ્રભાકાન્તભાઇએ અંતિમ ઘડી સુધી પોતાની જીવનસંગિની કાન્તાબહેનની દેખભાળ ખૂબ પ્રેમથી કરી. હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઇ રહેલાં પ્રેમાળ જીવનસંગિનીને પ્રભાકાન્તભાઇએ ભવોભવ મળવાના, ફરી એક થઇને રહેવાના કોલ આપ્યાની સાથે જ કાન્તાબહેનનો જીવ અનંતમાં ભળી જવા ગતિ કરી ગયો.
જે જમાનામાં કન્યા કેળવણી અને સ્ત્રીને કામ અર્થે વિદેશ જવું દુષ્કર હતું એવા સમયમાં કાન્તાબહેન પટેલે ડબલ ગ્રેજ્યુએટ થઇ શિક્ષિકા તરીકે ૧૯૫૯માં આફ્રિકા-યુગાન્ડા જઇ વસવાટ કર્યો હતો. કાન્તાબેન પટેલને નાનપણથી જ સાહિત્ય અને કલા પ્રત્યે વિશેષ રૂચિ રહી હતી. કર્મભૂમિ કંપાલામાં તેમણે ગુજરાતી પરિવારોના સંતાનોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શરૂ કરાવી બાળકોને વિવિધ હરિફાઇમાં ભાગ લેતા કર્યા.
કાન્તાબહેન આયુષ્યના છેલ્લા સમય સુધી કાર્યરત રહ્યાં હતાં એટલું જ નહિ પણ એમની લેખન પ્રવૃત્તિ સતત ચાલુ જ હતી. ૧૪ ફેબ્રુઆરી, રવિવારે 'ગુજરાત સમાચાર' ‘એશિયન વોઇસ' તથા બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે 'પિતૃવંદના' કરતા ઝૂમ કાર્યક્રમમાં પણ કાન્તાબહેને સુંદર શબ્દોમાં પિતૃવંદના કરતી રચનાઓ રજૂ કરી હતી. હજુ છ મહિના પહેલાં જ પોતાના દાદાજી મહાકવિ ન્હાનાલાલ દલપતરામ કવિ સાથે વિતાવેલી અવિસ્મરણીય યાદોને, ઘડીઓને તાજી કરતું સુંદર પુસ્તક 'સ્મૃતિના સરોવર' લખીને આપણને ભેટ કર્યું જેની વિશેષ સમાલોચના અમે 'ગુજરાત સમાચાર'ના દિપોત્સવી અંકમાં કરી છે. દિપોત્સવી અંકના ઉઘડતા પાને મહાકવિશ્રી ન્હાનાલાલને પુષ્પાંજલિ-સ્મરણાંજલિ અર્પતા આદર્શ દંપતિ કાન્તાબહેન પ્રભાકાન્તનો ફોટો પ્રસિધ્ધ કર્યો હતો સાથે સાથે એમની સવિશેષ ઉદાર સખાવતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આદરણીય કાન્તાબહેન ભલે સદેહે આપણી વચ્ચે નથી રહ્યાં પણ તેઓ અક્ષરદેહે અમર રહેશે, દાતાર કદી મરતો નથી એ તપ અમરત્વ પામે છે "નામ રહંતા ઠકરાં, નાણાં નવ રહંત, કિર્તી કેરાં કોટડા પાડ્યા નવ પડંત.” ૧૪મી માર્ચે 'માતૃવંદના'ના ઝૂમ કાર્યક્રમમાં આદરણીય કાન્તાબહેને પોતાની રચનાઓ રજૂ કરવા ૧૦ મિનિટ માગી હતી, કમનસીબે તેઓ આપણી વચ્ચે સ્વદેહે નથી પરંતુ એમણે લખેલી રચનાઓ મુંબઇથી વિદ્વાન લેખક ચંદ્રકાન્તભાઇ ખત્રી વાંચી સંભળાવશે.