આપ સૌ લગ્નમાં ગયાં હશો, અને આપ સૌને જુદા જુદા અનુભવો થયા હશે. મને આવા અનુભવો થાય ને પછી કાગળમાં ચિતરી નાંખવાનું મન થાય.
લગ્નમંડપમાં ઠાઠમાઠ સાથે બધાં શણગાર સજીને જાય. વર–વધૂને ચાંદલો આપવા પરબિડીયું લઈ જાય. આશીર્વાદ આપ્યા ન આપ્યા, ફોટા પડાવ્યા પછી પંચાતોમાં પરોવાઈ જાય, ગોર મહારાજને કોણ સાંભળે? મંડપમાં સૌ એકબીજાને હળવા-મળવાના કામે લાગ્યા હોય ને વાતોના વંટોળા ફૂંકતા જાય.
હવે કોઇ આવકારભર્યાં ઓવારણાના ગીતો, ફટાણાનાં ગીતો, મંગળફેરાના ગીતો કોઈ ગાતું નથી કે ગવડાતું નથી. બસ સી.ડી. પ્લેયર ચાલુ કરી દે એટલે કામ થઈ ગયું. લોકો મોજ માણવા અને પહેરવેશના પારખણા કરતા ફરે. ક્યાંથી લાવ્યા? કેટલાનું લાવ્યાની? વગેરેની ખોટી પંચાતોમાં વળગેલા જોવા મળે.
અરે... ઘણા તો એવા પણ હોય... સોનાનો આખો ભંડાર શરીર પર ઠઠાડીને પહોંચી ગયા હોય છે. જાણે શરીર સોનાથી ભરેલી દુકાન ના હોય?
પણ જમણવારની તો વાત જ નિરાળી. દેશી-વિદેશી, ચાઈનીઝ, ઈટાલિયન વાનગીઓથી બધા સ્ટેશનો ભરાતા જાય. જેવી રીતે ટ્રેન સ્ટેશનથી ઉપડે અને થોડે થોડે અંતરે ઊભી રહે ને ચા... પાણી... પાંવવડા લેતા જાય. અરે બાપલા??? પેટ તો તમારું એક જ છે, શાંતિ રાખો. એમાં ય ઘણા તો ભૂખાવડા એટલા હોય કે ઠૂંસી ઠૂંસીને જમે, પેટ ફાટવા આવે ત્યાં સુધી જમે. કોઈ તો વળી એવા કે ટિશ્યુ પેપરમાં લપેટી, આડું-અવળું જોઈને પછી બેગમાં નાંખતા જાય. લ્યો બોલો... આવું અને આટલું બધું કર્યા પછી પાછાં વળી એમ પણ કહે કે જમણમાં જરાયે મજા ના આવી...!
એવું જ અમારા ઘરના બગીચામાં થાય. દરરોજ સવાર થાય કે પક્ષીઓ બધા પંગતમાં બેસીને વાટ જોતા હોય કે આ ઘરના લોકો ક્યારે ઊઠે ને અમને ભોજન પીરસે.
અમારા બગીચાના બધા ઝાડ પર કંઈક ને કંઈક ખાવાની ટોકરીઓ ભરેલી ટિંગાતી હોય. જેમ કે દાણાનું સ્ટેશન, લાડવાનું સ્ટેશન અને હવે તો મુખવાસનું સ્ટેશન લગાવવાનું મન થાય છે. એવી મજાની રંગબેરંગી ચકલીઓ ચાંચ નાંખી જમી જાય. ફીડર પર ચઢી જાણે હિંચકે ઝૂલતી ઝૂલતી ચણતી હોય. એક આવે, બીજી જાય... એમ એક પછી એક પગંત આવી ને ચણી જાય.
પણ... પેલા કબૂતરભાઈ શરીરે મોટા, એ ઊંચું માથું કરી જોવે કે હું કેમ કરીને ચઢું? જો કોઈ મને લિફ્ટ કે વ્હિલચેરમાં બેસાડી ને લઈ જાય તો? ત્યાં તો સરર... સર... કરતી મેગપાઇ આવે ને લટકાવેલા દાણાના સ્ટેશન સાથે મુક્કામાર કરીને ઝૂંટવા જાય. કાગડાનું તો પૂછવું જ નહીં. એ તો એક જ નજર માંડીને બેઠા હોય. કા...કા... કા...નું ગીત ગાતા એમાં સાથ પૂરાવવા કબૂતરો, પેગપાઈઓ ગીતોમાં સૂર પુરાવી ઝુલતા હોય. હવે આવે છે, મજા માણવાની ઘડી.
મારા ઘરવાળા! જાણે મામેરું લઈને જતા ના હોય?! તેમ થાળીમાં બ્રેડ, વધેલો ભાત, રોટલીના ટુકડા ને કળશમાં પાણી લઈને પાછલું બારણું ખોલે કે બધા પક્ષીઓ જાનૈયાની જેમ એવા તો ફેન્સ પર ગોઠવાઈ ગયા હોય.
જેવું ખાવાનું પિરસાય કે વાટકામાં પાણી રેડાય તે સાથે જ ત્યાં બેઠેલી પંગત ડોકિયાં કરીને જોવા માંડે કે શું શું પિરસાયું છે. જેમ લગ્નમાં મામેરામાં મામા શું લઈ આવે? કોને શું આપે? તે જોવા લોકો ડોક આડી-અવળી ઊંચી-નીચી કરીને જોવા માંડે તે રીતે. આવું જ કંઈક અમારા ગાર્ડનમાં પક્ષીઓની પંગત કરે.
જેવા મારા ઘરવાળા પક્ષીઓને ભોજન પીરસી ઘરમાં પાછા ફરે કે પંગત એકમેકની સાથે બાઝે, ઝૂંટવે ને ઘોંઘાટ કરી મૂકે. અને પેલી લાંબી પૂંછડીવાળી મેગપાઈ તો ખાવાનું ઝૂંટવી ઊડીને પોતાના જુદા સ્થાને બેસી મોજ કરે.
પછી આવશે ચતુર નારી ખિસકોલી બેન, એ તો અંદર અંદર સરકી ખાવાનું લઈ જઈને, બંધ ખૂણેખાંચરે કૂંડાઓમાં સંતાડી આવે.
પછી આવશે રાજાનો કુંવર! મોટી ચાંચ ને પાંખ વાળો સીગલ... બધાને એના આવવાના એંધાણથી બીક લાગે કેમ કે એ તો જેટલું સમાય એટલું ભરી ભરીને ચાંચમાં ભેગું કરીને લઈ જાય.
શ્રાદ્ધ ટાણે તો પક્ષીઓને જાણે પાર્ટી થાય. ઘી, ગોળ, દૂધવાળી ગરમ ગરમ ભાખરી આરોગી પાણી પીને સંતુષ્ટિ પામે. હવે તો ઘણી વાર બારીની પાળ પર બેસીને ટકોરા કરે છે, પણ સાચે જ આ પક્ષીઓની પંગતને ગમ્મત કરતા જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. બધા સૌ સૌના ભાગનું ગ્રહણ કરી સંતુષ્ટિ પામે છે.