લંડનઃ સિસોદિયા દંપતીના લગ્નજીવનમાં ભંગાણ બાદ ટોલવર્થસ્થિત ૮,૦૦,૦૦૦ પાઉન્ડનું મકાન વેચાયા પછી પણ ૫૦ વર્ષીય પતિ વિજય સિસોદિયાએ તે ખાલી ન કરતાં તેને જેલભેગો કરાયો હતો. બે બાળકોના પિતા અને સોફ્ટવેર કંપનીના માલિક વિજય સિસોદિયા અને તેમના ૪૨ વર્ષીય પત્ની માયાએ ડાઈવોર્સ નથી લીધા પરંતુ તેઓ અલગ રહે છે.
સરેમાં ૨૦૦૭માં તેમણે ખરીદેલું ચાર બેડરૂમનું મકાન વેચાઈ ગયું છે. તેમાં ફર્નિચર પણ નથી અને ઈલેક્ટ્રિસિટી સપ્લાય પણ કપાઈ ગયો છે. માયા વતી હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે આર્થિક બાબતોમાં પતિની બેદરકારીને લીધે તેઓ ઘર છોડીને જતા રહ્યાં હતાં. ત્યારથી વિજય ત્યાં અવરોધરૂપ બનીને રહેતા હતા અને મકાન વેચાઈ ગયા બાદ પણ ત્યાંથી જતા નહોતા. નવા માલિકે ગૃહપ્રવેશ માટે સિસોદિયાને બળજબરીપૂર્વક ખસેડવાનો પ્રયાસ કરતા આ ઘર વેચવાનું નથી તેવા બુમબરાડા સાથે તેમણે હોબાળો મચાવ્યો હતો.
ઘર છોડવાના કોર્ટના આદેશો તેમણે ગણકાર્યા નહોતા. છેવટે તેમની ધરપકડ કરી હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. જોકે, ફરીથી તેઓ ઘરમાં પ્રવેશ નહીં કરે તેવું કોર્ટને વચન ન આપતાં તેમને પેન્ટનવિલે જેલમાં મોકલી અપાયા હતા. વિજય જેલમાં હતા ત્યારે માયાએ મકાનના વેચાણની બાકીની પ્રક્રિયા પૂરી કરી હતી.