દરેક ધર્મની જેમ પારસીઓમાં પણ વિવિધ તહેવારો આવતા હોય છે, જેમાંથી એક છે પતેતી. આ પતેતી (આ વર્ષે 16 ઓગસ્ટ) એટલે પશ્ચાત્તાપ કરવો. ધર્મગ્રંથ અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસ જૈનોના પ્રતિક્રમણ જેવો જ હોય છે એટલે કે આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. તેના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોજ કહેવાય છે.
પારસીઓ એમના નૂતન વર્ષને નવરોજ મુબારક કહે છે અને અગિયારીમાં જઇ પ્રાર્થના કરે છે. એકબીજાને મળીને નવા વર્ષની શુભકામનાઓ આપે છે. ઘરે પારસી વાનગીઓ બનાવીને નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.
પારસીઓ મૂળે ઇરાનમાં રહેતા હતા. ત્યાં તેમના છેલ્લા રાજા થઈ ગયા જેમનું નામ હતું યઝદઝદ. આ રાજા ખૂબ જ પ્રજાવત્સલ હતા અને તેમની સ્મૃતિમાં યદઝર્દી સંવતની શરૂઆત કરવામાં આવી હતી. પતેતી પછીના બીજા દિવસે નવવર્ષ હોય જે યદઝર્દી સંવતનું નવરોજ છે. ત્યારે પારસીઓ નવા પોશાકમાં સજ્જ થઈ એકબીજાને મળી નવરોજ મુબારક પાઠવે છે. અગિયારીમાં આતશ-બહેરામમાં જઈ સુખડનાં લાકડાં અર્પે છે અને પ્રાર્થના કરે છે.
જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ ઈરાનમાં વિધર્મીઓના ત્રાસથી ધર્મનું રક્ષણ કરવું અશક્ય લાગતાં આશરે 1362 વર્ષ પહેલાં ભારત આવ્યા હતા. તેઓ સૌપ્રથમ ઈ.સ. 766ની આસપાસ દીવ બંદરે ઊતર્યા. જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઈ.સ. 785માં દરિયાઈ માર્ગે સંજાણ
બંદરે ઊતર્યા.
તે વેળા ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ રાજ્યાશ્રય માટે પ્રતિનિધિ મંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તરરૂપે દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. તેના દ્વારા રાણા એ સૂચવવા માગતા હતા કે અમારા રાજ્યમાં વસતી વધારે છે એટલે અમે તમને વસાવી શકીએ તેમ નથી. પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ એમના વડા પાસે પહોંચ્યું. તેઓ સમજદાર હતા. તેમણે ધીરે ધીરે પ્યાલામાં સાકર ભેળવી તે જ પ્યાલો લઇને પ્રતિનિધિમંડળને પાછું રાણા પાસે મોકલ્યું. રાણા પણ ચતુર હતા. તેમણે દૂધ ચાખી જોયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે અમે અહીં દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈશું અને તેથી જ રાણાએ તેમને વસવાટની છૂટ આપી. આ રીતે પારસીઓ ભારતમાં વસ્યા.
પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઇને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી હતી. જે ઇરાનશાહ આતશ-બહેરામ તરીકે ઓળખાય છે. ભારતમાં કુલ આઠ આતશ-બહેરામ છે. જેમાંથી ઉદવાડા અને નવસારીમાં એક-એક જ્યારે સુરતમાં બે અને મુંબઈમાં ચાર આતશ-બહેરામ છે. પારસીઓના આ પવિત્ર અગ્નિસ્થાનને અગિયારી કહે છે.
પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી. જેની સ્થાપના અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈરાનમાં પારસીઓ રહેતા હતા. ત્યાંના અજરબૈજાન નામના પ્રાંતમાં ઈ.સ. પૂર્વે 600 વર્ષ આસપાસ અષો જરથુષ્ટ્રનો જન્મ થયો હતો. જન્મ વખતે તેઓ રડ્યા નહોતા, પણ હસતા હતા. અષો જરથુષ્ટ્ર ખૂબ જ તેજસ્વી હતા, તેમણે પ્રભાવશાળી ગુરુના સાંનિધ્યમાં વિધાભ્યાસ કર્યો હતો.
અષો જરથુષ્ટ્રના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયું હતું ઈશ્વરપ્રાપ્તિ. તેઓ નિર્જન પહાડો વચ્ચે બેસી કલાકો સુધી ચિંતન કરતા. અનેક મહિનાઓ વીતી ગયા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યાટાણે સૂર્યએ તેમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો અને ઈશ્વર અહુરમઝદે દર્શન આપ્યાં. અહુરમઝદે અષો જરથુષ્ટ્રને વરદાન માંગવા કહ્યું તો તેમણે પવિત્રતા માગી અને ઈશ્વરે આપી. તેથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા હતા. જ્ઞાનપ્રાપ્તિ બાદ અષો જરથુષ્ટ્રે ધર્મપ્રચારનું કામ આરંભ્યું. શરૂઆતમાં તેમને એક શિષ્ય મળ્યો. પછી રાજ્યાશ્રય પણ મળ્યો. આમ, 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી હતી.