લંડનઃ બ્રિટનમાં ઘરેલુ ગુલામીના સૌપ્રથમ કેસમાં પત્ની સુમારા ઈરામને ગુલામની માફક રાખવા બદલ ગુનેગાર ઠરેલા પતિ સફરાઝ અહેમદને વુડવીક ક્રાઉન કોર્ટેના જજ ક્રિસ્ટોફર હેહિરે બે વર્ષની જેલની સજા ફરમાવી છે. તેને શારીરિક ઈજા પહોંચાડવાના ગુનામાં આઠ મહિનાની સજા કરાઈ છે. બન્ને સજા સાથે કાપવાની રહેશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પત્ની સંબંધિત આ ગુનામાં પતિને સજાનો આ પ્રથમ કિસ્સો છે.
સાઉથઈસ્ટ લંડનના ચાર્લટનનો આ ૩૪ વર્ષીય બ્રિટિશ પાકિસ્તાની કાર મિકેનીક છે અને તેનું પોતાનું ગેરેજ છે. પાકિસ્તાનના પંજાબની ૧૮ વર્ષીય સુમારા ઈરામના અહેમદ સાથે ૨૦૦૬માં લગ્ન થયા હતા. ઈરામ ૨૦૧૨માં સ્પાઉઝ વિઝા પર યુકે આવી ત્યારથી અહેમદે તેની સાથે વૈવાહિક સંબંધો રાખ્યા નહોતા અને તેને ગુલામની માફક ઘરમાં જ ગોંધી રાખતો હતો.
તે ઈરામને વહેલી સવારથી આખો દિવસ પરિવારનું કામ નોકરડીની માફક કરાવવા ઉપરાંત, મારતો પણ હતો. ઈરામનો મોબાઈલ, નાણાં કે કોઈ વસ્તુ તેની પાસે રહેવા દીધી નહોતી. તેને માત્ર વજનદાર શોપિંગ બેગ્સ ઉંચકવાં અને ભત્રીજાને સ્કૂલે લેવા-મૂકવા પૂરતું જ બહાર જવા દેવાતી હતી.
ફેબ્રુઆરી, ૨૦૧૪માં અહેમદે તેને નાક પર મુક્કો મારતા ફ્રેક્ચર થયું હતું અને તે ગભરાઈને બહાર ભાગી હતી. લોકોએ પોલીસને જાણ કરતાં અહેમદની ધરપકડ થઈ હતી. પરંતુ ઘરના સભ્યો દ્વારા દબાણ અને અંગ્રેજી બોલી ન શકવાને લીધે ઈરામે ફરિયાદ ન નોંધાવતાં અહેમદને નિર્દોષ છોડી દેવાયો હતો.
છ મહિના બાદ ઈરામે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અહેમદની ઓગસ્ટ, ૨૦૧૪માં ધરપકડ કરીને કેસ નોંધવામાં આવ્યો હતો. તેની માતા ઝરીના, ભાઈ વીસીમ અને નણંદ દીના પટેલને પુરાવાના અભાવે છોડી મુકાયાં હતાં.