પ્રસિદ્ધ પાર્શ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પૌડવાલે તાજેતરમાં અરુણભાઈ પટેલની સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલના નિવાસની મુલાકાત લીધી હતી. તેમણે પટેલ પરિવાર સાથે આત્મીયતા સાથે સંવાદ રચ્યો હતો. તેમની મુલાકાત માત્ર અંગત પ્રસંગ ન હતો પરંતુ, સંગીત અને આધ્યાત્મિકતા પ્રત્યે તેમના આજીવન સમર્પણનું પ્રતિબિંબ પણ બની રહી હતી.
અનુરાધા પૌડવાલ દિગ્ગજ ભારતીય ગાયિકા છે જેમણે બોલીવૂડ, ભજન-ભક્તિ અને પ્રાદેશિક સંગીતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના ભક્તિપૂર્ણ ગીતોએ લાખો લોકાના જીવનને સ્પર્શી સમગ્ર વિશ્વમાં શ્રોતાઓને શાંતિ અને આધ્યાત્મિક જાગરુકતા આપી છે.
તેમની મુલાકાતનો હેતુ કોમ્યુનિટીની અંદર આદિ શંકરાચાર્યજીના દિવ્ય સર્જન ‘ભજ ગોવિંદમ’ માટે સમર્થન હાંસલ કરવાનો હતો. અનુરાધા પૌડવાલે આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા સપોર્ટ કરાયેલા આદિત્ય ઉત્સવ 2025માં ‘ભજ ગોવિંદમ’ની ભાવપૂર્વક પ્રસ્તુતિ કરી હતી. આદિ શંકરાચાર્યજીના આધ્યાત્મિક જ્ઞાન-ઉપદેશના પ્રચારને સમર્પિત તેઓ વૈશ્વિક ઓડિયન્સીસને ભારતની સમૃદ્ધ ભક્તિપૂર્ણ વિરાસત સાથે સાંકળવાનું કાર્ય કરી રહ્યાં છે.