બર્મિંગહામઃ નાણાના બદલામાં રહેવાસીઓના કચરાને એકત્ર કરતા નદીમ અલીને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે શુક્રવાર ૩૧ માર્ચે પર્યાવરણ સંબંધિત ગુનાઓ સંદર્ભે આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી. વોરવિક રોડ, સ્પાર્કહિલના ૪૬ વર્ષીય નદીમ અલીએ નવ ગુનાની કબૂલાત કરી હતી. કોર્ટે તેની પ્રવૃત્તિને કોમ્યુનિટી લાઈફની વિરુદ્ધ ગણાવી હતી, જેનાથી ભારે નુકસાન થયું હતું.
અલીની રજિસ્ટર્ડ વાન શહેરના વિવિધ સ્થળોએ કચરો ફેંકવાના કાર્યમાં વપરાતી હતી. જેના પછી બર્મિંગહામ સિટી કાઉન્સિલે કાનૂની કાર્યવાહી કરી હતી. તેને ફેબ્રુઆરી-જૂન ૨૦૧૬ના સમયગાળાના પ્રથમ છ ગુના માટે ત્રણ મહિના અને તે પછીના ત્રણ ગુના માટે પાંચ મહિનાની સજા ફરમાવાઈ હતી. આ ગાળામાં તેણે લેમિનેટ ફ્લોરિંગ, કેબિનેટ, ફિશ ટેન્ક, સાદડીઓ, કિચન યુનિટ્સ સહિતનો વેસ્ટ વાનમાં ભરી વિવિધ સ્થળોએ ફેંક્યો હતો.
કાઉન્સિલના વેસ્ટ એન્ફોર્સમેન્ટ યુનિટના અધિકારીઓએ અલીના વાન જપ્ત કરી તેમાંથી આવેલો કચરો ક્યાંથી લેવાયો હતો તેની પણ તપાસ કરી હતી.