લંડનઃ બોલ્ટનના ૬૮ વર્ષના બિઝનેસમેન અને લેઈહસ્થિત ભારતીય ફૂડ કંપની પાટક્સના પૂર્વ માલિક કીરિટભાઈ પાઠકનું દુબઈમાં જીવલેણ કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. કીરિટભાઈ પાઠક ૨૦૦૭માં પોતાનો ફેમિલી બિઝનેસ એસોસિયેટેડ બ્રિટિશ ફૂડ્સ (ABF)ને ૧૦૫ મિલિયન પાઉન્ડમાં વેચી દીધા પછી પત્ની મીનાબહેન પાઠક સાથે દુબઈમાં રહેતા હતા. જોકે, તેમણે ભારતમાં આ બ્રાન્ડના અધિકારો જાળવી રાખ્યા હતા અને તેમને ABFના સંયુક્ત વર્લ્ડ ફૂડ્સ ગ્રૂપના ચેરમેન બનાવાયા હતા.
કીરિટભાઈ પાઠકના માતા શાંતાબહેન અને પિતા લક્ષ્મીશંકરે તેમના ચાર પુત્રો અને બે પુત્રી સાથે કેન્યાથી યુકેમાં આવ્યા પછી ૧૯૫૦ના દાયકામાં ‘પાટક્સ’ની સ્થાપના કરી હતી. યુકે આવ્યા ત્યારે દંપતી પાસે માત્ર પાંચ પાઉન્ડની મૂડી હતી. તેમણે પોતાના નાનકડા રસોડામાં બનાવેલા સમોસા વેચીને શરુઆત કરી હતી અને તેમાંથી ૨૦૦ મિલિયન પાઉન્ડનું સામ્રાજ્ય ખડું થયું હતું. જો સત્તાવાર રિપોર્ટ્સને માનવામાં આવે તો પાટક્સ દ્વારા યુકેના ૭,૫૦૦ ભારતીય રેસ્ટોરાંના ૯૦ ટકાને સપ્લાય પૂરો પડાતો હતો તેમજ વિશ્વના ૪૦થી વધુ દેશમાં રાંધવાના સોસ, કરી પેસ્ટ્સ, ચટણી અને અથાણાનું વેચાણ કરાતું હતું.
ABFના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોર્જ વેસ્ટને માન્ચેસ્ટર ઈવનિંગને જણાવ્યું હતું કે,‘ ABFના બોર્ડ વેસ્ટન પરિવાર વતી કીરિટના પત્ની મીના અને તેમના સમગ્ર પરિવાર અને મિત્રોને આ દુઃખદ સમયમાં દિલસોજી પાઠવીએ છીએ. કીરિટ બિઝનેસ ચતુરાઈ, ઉદ્યોગસાહસિકતા અને નિરાળી ભારતીય વાનગીઓ માટે જોશ ધરાવતા હતા. તેમણે અને તેમના પત્ની મીનાએ નાનકડી શરુઆતમાંથી સમય નહિ ધરાવતા લોકો માટે સરળ ભારતીય ભોજન બનાવવાના કોન્સેપ્ટ થકી વિશાળ બિઝનેસ ઉભો કર્યો હતો. તેમણે લાખો ઘર માટે અનોખી રસોઈપદ્ધતિ દાખલ કરી હતી અને ઘરના ભોજનમાં ક્રાંતિ લાવ્યા હતા. તેઓ પોતાની પાછળ એક વારસો છોડી ગયા છે જે સેંકડો લોકોને રોજગારી આપે છે એટલું જ નહિ, વિશ્વમાં દરરોજ લાખો ઘર તેની મોજ માણે છે.’
કીરિટભાઈ પાઠક પોતાની પાછળ પત્ની મીના અને તેમના ત્રણ સંતાનો નીરજ, નયન અને અંજલિને વિલાપ કરતા મૂકી ગયા છે