પાટીદાર સમાજ દ્વારા ૧૦૦ પથારીના કોવિડ-૧૯ કવોરેન્ટાઈન સેન્ટરનો આરંભ

Tuesday 13th October 2020 12:38 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડામાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રી હેઠળની સુવિધામાં ૧૦૦ પથારીના કોવિડ-૧૯ કેવોરેન્ટાઈન સેન્ટરનો આરંભ કરાયો છે. KCCA હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. ઓકેલો, નેશનલ ક્વોરેન્ટાઈન સેન્ટના વડા ડો. રિચાર્ડ મુગાહી તથા અન્ય આમંત્રિતોની ઉપસ્થિતિમાં ભારતીય હાઈ કમિશનર અને અંડર સેક્રેટરી સેરુવાડા મોહના હસ્તે સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને મેનેજમેન્ટ કમિટીના વર્તમાન અને પૂર્વ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

યુગાન્ડામાં પાટીદારોનો ઈતિહાસ

૧૯મી સદીની આખર અને ૨૦મી સદીની શરુઆતમાં હજારો ગુજરાતીઓ ભારત છોડી આફ્રકન ગ્રેટ લેક વિસ્તારમાં યુગાન્ડા, કેન્યા અને ટાન્ગાન્યિકાની બ્રિટિશ કોલોનીઓમાં સ્થળાંતર કરી ગયા હતા. આ માઈગ્રન્ટ્સમાં ગુજરાતના ચરોતર વિસ્તારની પાટીદાર કોમ્યુનિટીના લોકોની સંખ્યા ગણનાપાત્ર હતી. અહીં આવ્યા પછી પટેલોએ પોતાનો વેપારધંધો, ઊદ્યોગો અને અન્ય બિઝનેસીસ શરુ કર્યા હતા. યુગાન્ડાના અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો બની રહેલી કોટન ઈન્ડસ્ટ્રીના પ્રણેતાઓ પટેલો જ હતા.

પાટીદાર કોમ્યુનિટીના ઉત્થાન-સંગઠન માટે ૧૯૨૭માં સુઆયોજિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ૧૯૩૩ની ૨૨મી જાન્યુઆરીએ સિનેમા હોલમાં પ્રથમ પાટીદાર મીટિંગ યોજાઈ હતી. વાર્ષિક ૪૦૦ શિલિંગની ફી સાથે પાટીદાર સમાજ માટે એક પ્લોટ પણ મેળવાયો હતો. શ્રી જી.જે. પટેલ અને શ્રી સી.બી. પટેલ સમાજના પ્રથમ ટ્રસ્ટીઓ હતા. ૧૯૩૪ની ૧૫ જૂને મળેલી સામાન્ય સભામાં સમાજ માટે ઓફિસ (હાલ નેશનલ લાઈબ્રેરી અને સમાજનો ઓફિસ બ્લોક છે) બાંધવાનો નિર્ણય લેવાયો હતો અને ૧૯૩૬ની ૧૭ જૂને હિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે લાઈબ્રેરી બિલ્ડિંગ કમ્પાલા કેપિટલ સિટી ઓથોરિટી (KCCA) હેઠળ હેરિટેજ સ્મારકની યાદીમાં છે.

સમાજ આઈ એમ પટેલ હોસ્ટેલ (હવે નોર્વિક હોસ્પિટલ) માટે જમીન સંપાદિત કરવા બદલ ડો. એમ. એમ. પટેલ OBE (Order of British Empire)નો ઋણી છે. ગવર્નર સર એન્ડ્રયુ કોહેન OBE દ્વારા ૨૩ ઓક્ટોબલ ૧૯૫૪ના દિવસે આ ફેસિલિટીને સત્તાવાર ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી. આ હોસ્ટેલનો અંકુશ પાટીદારો પાસે હોવાં છતાં, અન્ય કોમ્યુનિટીઓના વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્લી છે. ઈદી અમીન દ્વારા ૧૯૭૨માં એશિયનોની હકાલપટ્ટીના પગલે પાટીદારો દેશ છોડી જવાથી સમાજની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી. જોકે, તેમની પ્રોપર્ટીઓ ઈદી અમીને બનાવેલા એશિયન કસ્ટોડિયન બોર્ડ હસ્તક રખાઈ હતી. ૧૯૮૫માં વર્તમાન NRM સરકારે સત્તા સંભાળી અને પ્રેસિડેન્ટ વાય કે મુસેવેનીએ દેશ છોડી ગયેલા એશિયનોને પાછા ફરવા અને તેમની સંપત્તિનો ફરી કબજો લેવા અનુરોધ કર્યો હતો. આના પગલે પાટીદારો યુગાન્ડા પરત આવ્યા હતા અને એશિયન કસ્ટોડિયન બોર્ડ અને અન્ય ગેરકાયદે કબજો ધરાવનારા પાસેથી સમાજની પ્રીમાઈસીસનો પુનઃ કબજો મેળવવાના પ્રયાસો શરુ કરાયા હતા. સ્વર્ગસ્થ શ્રી બી.કે. પટેલ, શ્રી કાન્તિભાઈ પટેલ, શ્રી એસ.એમ. પટેલ અને શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસો થકી પ્રોપર્ટી પર ફરી કબજો મેળવવાનું ૧૯૯૩માં શક્ય બન્યું હતું,

યુગાન્ડામાંથી હકાલપટ્ટી અગાઉ પટેલ સમાજ પાસે લુગોગો (4-8 Naguru Link Road) ખાતે જમીનનો પ્લોટ હતો પરંતુ, KCCA (તત્કાલીન KCC) દ્વારા ફ્રેન્ચ સ્કૂલ (Plot 22/24)ને તેની ફાળવણી કરી દેવાઈ હતી. આ જમીનનો કબજો પાછો મેળવવા પટેલો KCCA વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા અને તેમનો વિજય થયો હતો. ફ્રેન્ચ સ્કૂલે આ પ્લોટનો વિકાસ કર્યો હોવાથી પટેલોને નાગુરુ લિન્ક રોડ પર પ્લોટની ફાળવણી કરાઈ હતી. હાલમાં કમ્પાલામાં ૧૨૦૦ અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં ૫૦૦ પાટીદાર વસે છે. પાટીદારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને રમતની પ્રવૃત્તિઓ ચલાવાય છે. પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે ભવ્યતા સાથે નવરાત્રિ અને ગણેશોત્સવની ઉજવણીઓ કરવામાં આવે છે. તેઓ ઈસ્ટ આફ્રિકાના અલગ અલગ શહેરોમાં ઈસ્ટ આફ્રિકન ચરોતર લેઉઆ પાટીદાર ફેડરેશનના ઉપક્રમે દર બે વર્ષે યોજાતી સ્પોર્ટ્સ તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. ગત વર્ષે એપ્રિલ ૨૦૧૯માં નાઈરોબી સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ

CSRની પ્રવૃત્તિઓ દ્વારા નાણાકીય તેમજ અન્ય સહાય સાથે શિક્ષણ, મેડિકલ અને સ્પોર્ટ્સના ક્ષેત્રોમાં સ્થાનિક લોકોને મદદ કરવામાં આવે છે. તેઓ સારા ઉદ્દેશોમાં સરકારને સમર્થન આપે છે અને કોવિડ મહામારી દરમિયાન તદ્દન ઓછાં ભાડાં સાથે નેશનલ લાઈબ્રેરીનું મકાન આપ્યું હતું. તેમણે વડા પ્રધાનની ઓફિસ હેઠળના કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સને UGX ૨૫ મિલિયનનો ફાળો પણ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter