લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે ૨૧ ડિસેમ્બરે ૭૪ વર્ષીય રોમન કેથોલિક પાદરી ફાધર લોરેન્સ ઉર્ફ એન્ડ્રયુ સોપરને ૧૦ સપ્તાહની ટ્રાયલ પછી ઈલિંગની શાળામાં છોકરાઓ સાથે જાતીય શોષણનાં જૂના કેસમાં ૧૮ વર્ષની જેલની સજા ફરમાવી છે. તેમને અચોક્કસ મુદત સુધી સેક્સ્યુઅલ હાર્મ પ્રીવેન્શન ઓર્ડર પણ અપાયો હતો. સોપરને બુધવાર, છ ડિસેમ્બરે દોષિત ઠરાવાયો હતો.
તેમની સામે ૧૯૭૫થી ૧૯૮૨ના ગાળામાં ઈલિંગની સેન્ટ બેનેડિક્ટ મિડલ સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૦ છોકરા સાથે અનુચિત વ્યવહારની ટ્રાયલ ચાલી હતી. તેઓ ૧૯૭૨થી ૧૯૯૧ દરમિયાન મિડલ સ્કૂલના હેડમાસ્ટર હતા. સૌ પહેલા ૨૦૦૪માં પૂર્વ વિદ્યાર્થીએ તેની સાથે શિક્ષા કરવા દરમિયાન ઓફિસમાં જાતીય હુમલો કરાયાનો આક્ષેપ લગાવ્યો હતો. આ પછી, ૨૦૦૮ના ફેબ્રુઆરી, ૨૦૧૦ના જૂન, નવેમ્બર તેમજ જાન્યુઆરી ૨૦૧૧માં પણ બીજા વિદ્યાર્થીઓએ પોલીસ તપાસમાં આક્ષેપ દોહરાવ્યો હતો.