બર્મિંગહામઃ ૧૩ વર્ષની બાળા પર બળાત્કાર કરી તેને સગર્ભા બનાવનારા ૭૪ વર્ષીય પેન્શનર કાર્વેલ બેનેટને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ત્રીજી ઓગસ્ટ મંગળવારે ૧૧ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ પીડિતાની હાલમાં ૪૫ વર્ષની દીકરીએ બેનેટ વિરુદ્ધ આરોપો લગાવ્યાં હતાં. બેનેટે તે પીડિતાની દીકરી હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ, બળાત્કારના આરોપને નકાર્યો હતો. સજાની સુનાવણી વેળાએ દીકરીએ બેનેટને કહ્યું હતું કે તેણે તેનું જીવન નર્ક બનાવી દીધું હતું.
વિટનેસ બોક્સમાંથી પીડિતાની દીકરીએ કહ્યું હતું કે,‘ એક બાળા પર બળાત્કારની તારી હિંસાએ મારી અને મારી માતા વચ્ચેના સંબંધોને નષ્ટ કરી દીધા હતાં. હું મારી માતા સાથે માત્ર સાત દિવસ હોસ્પિટલમાં રહી હતી. મને એડોપ્શન માટે મૂકાઈ હતી. આ સજા તો ૪૬ વર્ષ પહેલા મળવી જોઈતી હતી.’ પીડિતાએ બર્મિંગહામ ક્રાઉન કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે દીકરીને છોડતાં તેનું હૃદય ચીરાઈ ગયું હતું અને તે કદી આ યાતના ભૂલી નથી.
એર્ડિંગ્ટન, બર્મિંગહામના પેન્શનર કાર્વેલ બેનેટે ૧૯૭૦ના દાયકામાં ટીનેજર સાથે સમાગમ કર્યો હોવાનું અને પીડિતાની દીકરીનો બાયોલોજિકલ પિતા હોવાનું સ્વીકાર્યું હતું. જોકે, તેણે બળાત્કાર કર્યાનું નકારતા કહ્યું હતું કે ટીનેજરે તેની ઉંમર ૧૬ વર્ષની હોવાનું કહી સેક્સ માટે સંમતિ આપી હતી.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ પછી જ્યુરીએ બેનેટની દલીલો ફગાવી તેને દોષિત ઠરાવવા માત્ર ૧ કલાક અને ૪૮ મિનિટનો સમય લીધો હતો. પીડિતાની ઓળખ જાહેર નહિ કરવાના આજીવન કાનૂની અધિકારના કારણે બેનેટ કેવી રીતે ટીનેજરના સંપર્કમાં આવ્યો તેનું રિપોર્ટિંગ કરાયું ન હતું. પીડિતા સગર્ભા બન્યાં પછી બાળકીને જન્મ આપવા મધર એન્ડ બેબી હોમમાં લઈ જવાઈ હતી. આ પછી બાળકીને એડોપ્શન માટે મૂકાઈ હતી.
જ્યૂરીને જણાવાયું હતું કે બેનેટની દીકરી ૧૮ વર્ષની થયાં પછી તેણે પોતાની માતાને શોધી કાઢી હતી જેના દ્વારા જન્મની વિગતો જાણવા મળી હતી. ડીએનએ રિઝલ્ટ્સથી બેનેટ તેનો પિતા હોવાનું નિશ્ચિત થયું હતું.