લંડનઃ પારસન્સ ગ્રીન બકેટ બોમ્બ હુમલા સંદર્ભે પોલીસે અત્યાર સુધી છ વ્યક્તિની ધરપકડ કરી છે. સાઉથ લંડનમાં મધરાત પછી ૨૧ સપ્ટેમ્બરે ૧૭ વર્ષીય તરુણને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. મંગળવારે ન્યૂ પોર્ટ, સાઉથ વેલ્સમાં બે સ્થળોએ દરોડા પડાયા પછી ૨૫ વર્ષીય બિલાલ મોહમ્મદ ઉર્ફ માહદી રામાદીની ધરપકડ કરાઈ હતી. બુધવારે વહેલી સવારે ૩૦ અને ૪૮ વર્ષના બે પુરુષની પણ ધરપકડ થઈ છે. જોકે, યાહ્યા ફરોખ અને ૪૮ વર્ષના અનામી વ્યક્તિને પૂછપરછ પછી કોઈ ચાર્જ વિના કસ્ટડીમાંથી મુક્ત કરાયા હતા.
પોલીસે અગાઉ ડોવર પોર્ટમાંથી ૧૮ વર્ષીય ઈરાકી અને હંસલોમાંથી ૨૧ વર્ષીય સીરિયન યાહ્યા ફરોખની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછ કરાઈ હતી. ગત શુક્રવારે સવારે અંડરગ્રાઉન્ડ ટ્રેનના કેરેજમાં બકેટ બોમ્બના વિસ્ફોટમાં ૩૦ વ્યક્તિને ઈજા થઈ હતી.
ગત સપ્તાહના પારસન્સ ગ્રીન ટ્યૂબ સ્ટેશન પરના ત્રાસવાદી હુમલાની તપાસે ગતિ પકડી છે. ગુરુવારે સવારે પોલીસે ત્રાસવાદવિરોધી કાયદા હેઠળ સાઉથ લંડનના થોર્નટન હીથ ખાતે ૧૭ વર્ષના તરુણની ધરપકડ કરી પૂછપરછ સાથે તેની પ્રોપર્ટીમાં તપાસ પણ આરંભી હતી. પોલીસે સો પહેલા ૧૬ સપ્ટેમ્બરે ડોવર પોર્ટના ૧૮ વર્ષના ઈરાકી રેફ્યુજીની ધરપકડ કરી હતી, જેને ૨૩ સપ્ટેમ્બર સુધી અટકમાં રખાયો છે.
તેના ઓનલાઈન સંપર્કોની તપાસ આગળ વધારતા આ જ દિવસે હંસલોમાંથી ૨૧ વર્ષીય સીરિયન શરણાર્થી યાહ્યા ફરોખને અટકમાં લેવાયો હતો, જેને હવે મુક્ત કરાયો છે. મંગળવારની સાંજે સાઉથ વેલ્સના ન્યૂપોર્ટમાંથી ૨૫ વર્ષના શકમંદ તેમજ બુધવારે સવારે અન્ય બે શકમંદને શરણાર્થીઓ માટેની હોમ ઓફિસની પ્રોપર્ટીમાંથી ઝડપી લેવાયા હતા.