લેસ્ટરઃ કોરોના વાઈરસ સામે હોસ્પિટલના બિછાને પડ્યા પડ્યા જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહેલા લેસ્ટરના સંજીવ પટેલને ખબર મળ્યા હતા કે આ વાઈરસ સામે લડતા જ તેમના પિતાનું મૃત્યુ થયું છે. કોરોનાને માત આપનારા સંજીવે આ વાઈરસ સામેની લડાઈમાં કેવો સંઘર્ષ કર્યો હતો તેની વીતક કથા ‘લેસ્ટરશાયરલાઈવ’ સમક્ષ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે સંજીવ પટેલના છ વ્યક્તિના સમગ્ર પરિવારને કોરોના વાઈરસના લક્ષણો જણાયા હતા.
ગત ફેબ્રુઆરીમાં જ ઓસ્ટ્રેલિયામાં રહેતા અને વ્યવસાયે ડોક્ટર ભાઈએ તેમને ચેતવણી આપી હતી કે કોરોના વાઈરસની અસર સમગ્ર વિશ્વમાં થઈ શકે. લોકડાઉન પહેલા સંજીવે તેમની દૈનિક જીવનચર્યામાં ફેરફાર માટે તૈયારી કરી હતી. પરંતુ, તેમને આ વાઈરસનો ચેપ લાગશે તેવી ક્યારેય અપેક્ષા ન હતી અને પોતાને અને પરિવારને આ ચેપ કેવી અસર કરી શકશે તેની તેઓ પૂર્વતૈયારી કરી શક્યા નહિ.
યુકેમાં લોકડાઉન જાહેર થયું તેના એક અઠવાડિયા પહેલા જ સંજીવની પત્નીમાં કોરોનાના લક્ષણો જણાયા હતા અને તેના થોડા દિવસ બાદ તેમનામાં પણ આ લક્ષણો દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે તે સમયે સામાન્ય ફ્લુનો પણ વાવર હતો અને તેને કોરોના સાથે સાંકળી ન લેવા કહેવાયું હતું. આથી, સામાન્ય ફ્લુ હશે તેમ માની લીધું હતું. જોકે, થોડા દિવસોમાં તેમની તબિયત વધુ બગડી હતી અને તેમના બાળકોમાં પણ લક્ષણો દેખાવા લાગ્યા હતા.
બીજી તરફ, તેમના પિતાને પણ લક્ષણો દેખાયા પછી પિતા-પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સંજીવ કહે છે કે,‘મને દાખલ કરાયો ત્યારે મને કહેવાયું કે ‘ચિંતા ન કરશો, તમે વેન્ટિલેટર માટે બરાબર છો.’જોકે, આવું સાંભળવું કોને ગમે? મને દાખલ કરાયો ત્યારે મેં બાળપણથી હું જેમના સંપર્કમાં હતો તેવા વરિષ્ઠ સાધુ બ્રહ્મવિહારીદાસજીને મેસેજ પણ કર્યો હતો કે જો હું બહાર ન આવું તો મારા બાળકોની સંભાળ લેજો.’ સંજીવને તેમના પત્નીનો સંદેશો મળ્યો કે તેમના પિતાની તબિયત સ્થિર થઈ રહી છે પરંતુ, બીજા જ દિવસે અચાનક સંદેશો મળ્યો કે પિતાજીનું અવસાન થયું છે. તેમણે મંદિરમાં અને ગુરુ મહંત સ્વામી મહારાજ પાસેથી જે જ્ઞાન મેળવ્યું હતું તેનું સ્મરણ કરી કપરા સંજોગોમાં પણ પરિવારને હૈયાધારણ આપી હતી. સંજીવ હોસ્પિટલમાં હતા ત્યારે તેમની ૨૦ વર્ષીય દીકરીએ પણ ‘વચનામૃત’ ગ્રંથમાંથી ઉપદેશ મોકલ્યો હતો જેનાથી પણ તેમને હિંમત પ્રાપ્ત થઈ હતી.
સંજીવ પટેલ ઘેર પાછા ફરવા જેવા સાજા થયા અને તેમણે પિતાના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી હતી.
સંજીવે ઉમેર્યું હતું કે ‘માત્ર છેલ્લા ત્રણ દિવસ સિવાય હું આખી જિંદગી પિતા સાથે રહ્યો હતો પરંતુ, હું જાણું છું કે આ મારા હાથની વાત નથી.’ આ મુશ્કેલીઓનો સામનો કર્યા પછી હિંદુ શ્રદ્ધાળુ સંજીવ કહે છે કે તેમની આસ્થા અગાઉ કરતાં દૃઢ બની છે. આ આસ્થા જ તેમને આ કપરા સમયમાં મદદરૂપ થઈ હતી.
લેસ્ટરના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં વોલન્ટીઅર તરીકે સેવા આપતા સંજીવે જણાવ્યું હતું કે હવે તેઓ પોતાના અનુભવનો ઉપયોગ અન્ય લોકોને મદદરૂપ થવા માટે કરશે. લોકડાઉન દરમિયાન મંદિર તો બંધ હતું પરંતુ, સંજીવ અને કોમ્યુનિટીના અન્ય લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ અને વિડીઓ કોલ્સ મારફતે સંપર્ક જાળવી રાખ્યો હતો.