સમન્વય પરિવાર યુકે દ્વારા મહામંડલેશ્વર અને પદ્મ વિભુષણ પૂ. સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજની નિશ્રામાં શુક્રવાર તા. ૧૫મી એપ્રિલના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરો ખાતે રામ નવમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટ, એમપી બોબ બ્લેકમેન, ગ્રેટર લંડન અોથોરીટીના સદસ્ય કાઉન્સિલર નવિનભાઇ શાહ, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી સીબી પટેલ તથા કાઉન્સિલર રેખાબેન શાહ તેમજ સ્થાનિક કાઉન્સિલર્સ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે પૂ. સ્વામીજીનું માથા પર કળશ લઇને આવેલી પાંચ કન્યાઅોએ સ્વાગત કરવા સાથે કપાળે તિલક કર્યું હતું. જ્યારે સંસ્થાના અગ્રણીશ્રી ગીરીશભાઇ દેસાઇએ પૂ. ગુરૂજીનું હાર પહેરાવી અભિવાદન કર્યું હતું અને પૂ. ગુરૂજીને મંચ સુધી દોરી ગયા હતા, જ્યાં તેમણે દીપ પ્રગટાવી રામ નવમી ઉત્સવનો શુભારંભ કર્યો હતો. સાઇ સ્કૂલના બાળકોએ વાનરના વેશમાં રામાયણ પર આધારિત નૃત્ય નાટીકા રજૂ કરી હતી.
પૂ. ગુરૂજી સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીએ આશિર્વચન આપતાં રામ નવમી મહોત્સવના મહત્વ અને ધર્મનું આપણા જીવનમાં શું મહત્વ છે તેની માહિતી આપી હતી. આજના યુગમાં વ્યાપેલા ત્રાસવાદી કૃત્યો અંગે ઉલ્લેખ કરતાં પૂ. ગુરૂજીએ આપણા ભવિષ્ય અને યુવાન પેઢીના ઉત્કર્ષ માટે 'સંસ્કાર અને મુલ્યો'ની જાળવણી કરવા સૌને અપીલ કરી હતી. પૂ. ગુરૂજીએ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર આપણા દેશ માટે ખૂબજ સારા કાર્યો કરી રહી છે તેમ જણાવ્યું હતું.
પૂ. ગુરૂજીએ ગુજરાત સમાચાર અને તંત્રી સીબી પટેલના સામાજીક યોગદાનની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે 'હું દર સપ્તાહે ગુજરાત સમાચાર નિયમીત રીતે વાંચુ છું. તંત્રી લેખ ઉપરાંત સીબીની કોલમ 'જીવંત પંથ' પણ વાંચુ છું. સીબીએ ધર્મ અને રાષ્ટ્રભાવના વિષે તેમની કોલમમાં જે ઉલ્લેખ કર્યો છે તે સાબિત કરે છે કે પત્રકારત્વ કેવું હોવું જોઇએ. સીબીનું પત્રકારત્વ સાચેજ શક્તિસભર અને મુલ્યવાન છે. મારો સૌને અનુરોધ છે કે આવા પ્રકાશનોને પોતાનો સહકાર આપવો. બાકી કેટલાક પ્રકાશનો એવા પણ જે છે જેઅો અંધશ્રધ્ધા અને બ્લેક મેજીક કરતા લોકોની જાહેરાતો લેતા હોય છે. આવા અખબારોનો સામુહિક બહિષ્કાર કરવો જોઇએ.'
કાર્યક્રમમાં સ્થળ સંકોચના કારણે અોછામાં અોછા સદસ્યોને ઉપસ્થિત રહેવા માટે અગાઉથી કરાયેલી વિનંતી અને પ્રતિકુળ હવામાન હોવા છતાં પૂ, ગુરૂજીના ૭૦૦ કરતા વધારે શિષ્યો સહિત મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના જગદીશભાઇ દવે અને ભાનુભાઇ પંડ્યા તેમજ વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બકુલભાઇ જોષીએ પૂ. સ્વામીજીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને ઉપસ્થિત મહેમાનો તેમજ અગ્રણીઅોએ સ્વામીજીને ફુલમાળા અર્પણ કરી અભિવાદન કર્યું હતું. ગીતાબેન પટેલે ભક્તિ ગીત રજૂ કર્યાં હતાં જેને તબલા પર કુમારભાઇ આચાર્ય અને સાથીઅોએ સંગત આપી હતી. પૂ. ગુરૂજીએ પોતાના ઘેઘુર અવાજમાં કોઇ જ સંગીત વગર સ્વચરિત રચના 'મેરે તો શ્રી રામચંદ્ર દુસરો ન કોઇ' ગાઇ ત્યારે સભાખમડમાં ઉપસ્થિત સૌ કોઇ ભક્તિરસમાં લિન થઇ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. ગુરૂજી છેલ્લા ૫૦-૫૫ વર્ષથી વિશ્વના ૪૦ દેશોમાં પોતાના અદ્ભૂત જ્ઞાન અને વકૃત્વ શક્તિથી ભરેલા પ્રવચનો થકી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને હરિદ્વારામાં ભારત માતા મંદિરની રચના કરી છે.
કાર્યક્રમના અંતે સૌ પ્રસાદ લઇને છુટા પડ્યા હતા.
मेरे तो श्री रामचंद्र दूसरों न कोई
मेरे तो श्री रामचंद्र दूसरों न कोई
जाके कर धनुषबाण मेरो प्रभु सोई
अधम नीच पापयुक्त कोई भी होई
वीनाभेद तार दीये कल्मष सब धोई। मेरे तो........
शिवधनु नहीं भग्न हुँआ जनकपुरी रोई
कण्ठ मध्य माला ली सीता ने पिरोई
रामनाम महिमा अति कौन सके गोई
रामनाम सतत जपे जगतवृत्ति खोईं। मेरे तो.......
सरल वृत्ति जागृत होई मलिन वृत्ति सोईं
गंगा तट बैठ बैठ लोकलाज खोई
रामनाम जपत जपत शुद्धबुद्धी होई। मेरे तो .......
सत्यमित्र अति दरिद्र शाल नहीं लोई
हृदयमध्य करूणाकर प्रेमबेलि बोई
चिन्ता अब रही नहीं हो ना हो सो होई।
मेरे तो श्री रामचंद्र..................
- स्वामी सत्यमित्रानंदगिरिजी महाराज