દુબઈ, લંડનઃ હાર્ટફુલનેસના વૈશ્વિક માર્ગદર્શક અને શ્રી રામ ચંદ્ર મિશનના પ્રેસિડેન્ટ પૂજ્ય દાજી દુબઈથી એટલાન્ટા (યુએસએ)ના બે મહિનાના લાંબા પ્રવાસ પર છે. દુબઈની 12 મે, 2024ની તાજેતરની મુલાકાતમાં પૂજ્ય દાજીનું દુબઈ હાર્ટફુલનેસ સેન્ટર ખાતે પૂજ્યભાવ અને પ્રેમ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતીય ફિલ્મનિર્માતા, અભિનેતા અને ઓસ્કાર એવોર્ડવિજેતા શેખર કપૂર; દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલમાં કોમ્યુનિટી ઈવેન્ટ્સ સેક્શન સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ ડિપાર્ટમેન્ટના વડા મિ. અહમદ ઈબ્રાહીમ બુશેરિન; દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ મિ. માહિર જુલ્ફાર; યુનિવર્સિટી ઓફ દુબઈના પ્રેસિડેન્ટ ડો. ઈસા મોહમ્મદ અલ બાસ્તાકી; ઝાયેદ ફાઉન્ડેશનના મિ. જ્યોર્જ તેમજ ભારતીય અભિનેત્રી, જર્નાલિસ્ટ, ટેલિવિઝન પર્સનાલિટી, થીએટર ડિરેક્ટર અને નાટ્યલેખક મિસ સોહૈલા કપૂર સહિત યુએઈના મહાનુભાવો અને વિશિષ્ટ મહેમાનોને દાજી સાથે મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
બ્રાઈટર માઈન્ડ્સના જીવંત નિદર્શનથી મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પૂજ્ય દાજીએ હાર્ટફુલનેસ દ્વારા ઓફર કરાયેલા બ્રાઈટર માઈન્ડ્સ પ્રોગ્રામના લાભો વિશે જણાવ્યું હતું અને અમીરાતના મહાનુભાવોને તેને આગળ લઈ જવા વિનંતી કરી હતી. દાજીએ ઘણી નાની વયથી જ તાલીમ શરૂ કરવામાં આવે તેના મહત્વ વિશે જણાવ્યું હતું.
પૂજ્ય દાજીએ ‘આધ્યાત્મિક સંપત્તિમાં રોકાણ’ અને તેમાંથી લાભ પ્રાપ્ત કરવામાં મેડિટેશનના ઉપયોગ અને રોજબરોજના જીવનમાં તેના વ્યવહારુ અમલ પર વિચાર સાથે આશરે 500 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે સામૂહિક ધ્યાનની આગેવાની કરી હતી
દાજીએ ભારતના પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા શેખર કપૂર સાથે ઈન્ટરવ્યૂમાં વિચારપૂર્ણ સંવાદ સાધ્યો હતો. તેમની વાતચીત આંતરચેતનાના સ્વભાવ, તેના સ્રોત, સર્જકતા અને આંતરચેતનાની માતાસમાન અસ્તિત્વની શૂન્યતા સહિત ગહન ફિલોસોફિકલ અને આધ્યાત્મિક વિચારો પર કેન્દ્રિત રહી હતી.
ફ્રીડમ ઓફ સિટી ઓફ લંડનના એવોર્ડથી સન્માનિત
દાજીના હુલામણા નામથી પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને હાર્ટફુલનેસના વૈશ્વિક માર્ગદર્શક કમલેશ ડી. પટેલનું તેમની તાજેતરની લંડન મુલાકાત દરમિયાન, ગિલ્ડહોલમાં યોજાએલા સમારંભમાં ફ્રીડમ ઓફ સિટી ઓફ લંડનના એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. મેડિટેશન અને આધ્યાત્મિકતા વિશેના ઉપદેશોથી પ્રસિદ્ધ પૂજ્ય દાજીને સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન ક્રિસ હેવાર્ડ અને ફ્રીડમ એપ્લિકેશન્સ સબ-કમિટીના પૂર્વ અધ્યક્ષ રેહાના આમીર દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા.
દાજીએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘યુનાઈટેડ કિંગ્ડમ સાથે પુનઃ સંકળાતા અને ફ્રીડમ ઓફ સિટી એવોર્ડ સ્વીકારતા મને ઘણો આનંદ થયો છે. આ સન્માન હાર્ટફુલનેસના માત્ર લંડનના જ નહિ સમગ્ર વિશ્વમાં તમામ વોલન્ટીઅર્સ અને પ્રેક્ટિશનર્સ માટે છે. અગાઉ કરતાં વર્તમાનમાં એકતા અને સંવાદિતા વધુ મહત્ત્વપૂર્ણ છે. મેડિટેશન વિશ્વને નિકટ લાવવાના સાધન તરીકે કાર્ય કરે છે.’