લંડનઃ નોર્થમ્બ્રિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ અને ન્યૂકેસલમાં બ્રોડકાસ્ટર ‘સ્કાય’માં સાઈટ કન્ટ્રોલરની ફરજ બજાવતી ૨૪ વર્ષીય પૂર્વ ગર્લફ્રેન્ડ એલીસ રગલ્સની હત્યા કરવા બદલ ૨૬ વર્ષીય ઝનૂની અને ચાલાક બોયફ્રેન્ડ લાન્સ કોર્પોરલ ટ્રીમાન હેરી ધિલોનને ન્યૂકેસલ ક્રાઉન કોર્ટે ઓછામાં ઓછી ૨૨ વર્ષ સાથે આજીવન કેદની સજા ફરમાવી હતી. ધિલોને ગૂનો કબૂલ્યો ન હતો. જોકે, ૧૧ દિવસની ટ્રાયલ પછી તેને ગુનેગાર ઠેરવાયો હતો.
રગલ્સનો સંપર્ક ઓક્ટોબર, ૨૦૧૫માં ધિલોન સાથે ફેસબુક પર થયો હતો. એક વર્ષના સંબંધ પછી એલીસને ખબર પડી કે ધિલોને તેની સાથે છેતરપિંડી કરી હતી એટલે એલિસે તેને છોડી દીધો હતો. જોકે, ધિલોન તેની પાછળ પડી ગયો હતો. તેણે ઢગલાબંધ મેસેજિસનો મારો ચલાવ્યો હતો, તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરી લોહીથી પત્ર લખવાની તેમજ તેની પોર્ન વીડિયોથી બ્લેકમેઈલ કરવાની ધમકી આપી હતી. રગલ્સે ધિલોનના વર્તન અંગે પોલીસને ફરિયાદ પણ કરી હતી.
રગલ્સના નવા બોયફ્રેન્ડની ઈર્ષા અને રગલ્સ તેના હાથમાં નથી તેવી હતાશામાં ધિલોન એડિનબરાની તેની બેરેકથી ૧૨૦ માઈલના અંતરે ગેટ્સહેડ ખાતે રગલ્સના ફ્લેટમાં ઘૂસી ગયો હતો. તેણે ધારદાર નાઈફથી તેનું ગળું કાપીને બાથરૂમમાં જ ક્રૂર હત્યા કરી હતી. તેની હાઉસમેટ મેક્સિન મેકગિલે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
એલિસની માતા સુસાન બિલ્સ લેસ્ટર હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં મેથ્સના હેડ તરીકે અને તેના પિતા ક્લાઈવ રગલ્સ લેસ્ટર યુનિવર્સિટીના આર્કિયોએસ્ટ્રોનોમીના નિવૃત્ત પ્રોફેસર છે.