લંડનઃ ડચેસ ઓફ કેમ્બ્રીજે જણાવ્યું હતું કે બાળકો વાત કરે તે પહેલા પેરન્ટ્સે તેમને લાગણીઓ અને માનસિક સ્વાસ્થ્ય વિશે કેળવણી આપવી જોઈએ. વેસ્ટ લંડનના હેઈસમાં ન્યૂ ગ્લોબલ એકેડમી ખાતે સંબોધનમાં તેમણે કબૂલ્યું હતું કે માતૃત્વમાં પણ ઘણી વખત એકલતા લાગે છે. પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટની માતા ડચેસે જણાવ્યું હતું કે બાળકોની રમવાની ઉંમર હોય ત્યારથી જ પેરન્ટ્સે તેમની સાથે માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરવી જોઈએ. આ એકેડમીએ તેના અભ્યાસક્રમમાં માનસિક સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી વિષયનો સમાવેશ કર્યો છે.
નાના બાળકો હોવા છતાં પોતાને મિત્રની જરૂર હોવાનું કબૂલ કરનારી બે મહિલાને ડચેસે જણાવ્યું હતું,‘ ઘણી વખત એકલતા લાગે છે. તમે તદ્દન એકલા પડી ગયા હોવ તેવું લાગે છે. તમે જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તેવી હાલત અન્ય માતાઓની પણ છે.’
આ અગાઉ ૩૨ વર્ષના પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે તેમની માતા ડાયના, પ્રિન્સેસ ઓફ વેલ્સના મૃત્યુના આઘાતમાંથી બહાર આવવા માટે તેમણે ૨૫-૨૬ વર્ષની વયે કાઉન્સેલિંગ કરાવવું પડ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ઘણાં પ્રસંગોએ સંપૂર્ણપણે ભાંગી પડવાની નજીક હતા. આક્રમકતાનો સામનો કરવા તેમણે થેરાપીસ્ટ તેમજ બોક્સિંગનો આધાર લેવો પડ્યો હતો.
હાઈકોર્ટના પૂર્વ જજે જણાવ્યું હતું કે પેરન્ટ્સના લગ્નજીવનમાં ભંગાણને લીધે પ્રિન્સ હેરીને માનસિક સ્વાસ્થ્યની તકલીફ થઈ હશે.