પોતાને ભગવાન ગણાવતા સાધુ-સંતોને મહાકુંભમાં પ્રવેશ પર પ્રતિબંધ

ભારતીય અખાડા પરિષદનો નિર્ણય

Saturday 27th July 2024 06:26 EDT
 
 

ઉજ્જૈનઃ અખિલ ભારતીય અખાડા પરિષદે સાધુ-સંતોના વેશમાં ખોટા કામ કરનાર મહામંડલેશ્વર અને સાધુ-સંતોને અખાડામાંથી કાઢી મુક્યા છે. આ ઉપરાંત વિવાદિત નિવેદનો કરતા કેટલાક કથિત બાબાઓ કે કથાકારો તેમજ પોતાને ખુદને ભગવાન ગણાવતા લોકો સામે પણ અખાડા પરિષદે કાર્યવાહી કરી છે, જેમાં ઉજ્જૈનના પૂર્વ મહામંડલેશ્વર મંદાકિની દેવી પણ સામેલ છે.
જૂના અખાડાએ કુલ 54 સંતો, શ્રી નિરંજની અખાડાએ 24 સંતો અને નિર્મોહી અની અખાડાએ 34 સંતોને નોટિસ આપીને 30 સપ્ટેમ્બર સુધી જવાબ આપવા કહ્યું છે. જો આ કથિત સંતો દ્વારા સંતોષકારક જવાબ નહીં મળે તો તેમને મહાકુંભમાં પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત જે કથાકારો કે બની બેઠેલા બાબાઓ કથા-પ્રવચન દરમિયાન પોતાને ભગવાન ગણાવે છે, તેમના પર પણ પ્રતિબંધ લદાશે. આવા સંતોને નોટિસ આપવામાં આવશે. બીજી તરફ, સિંહસ્થ મહાકુંભ 2028ને લઈને મધ્યપ્રદેશમાં તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે.
સંતોને નોટિસ આપવાના મામલામાં અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્ર પુરી મહારાજે કહ્યું કે, જે અમારા નિયંત્રણમાં નથી, જે ખુદને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ માને છે, જે મુસ્લિમ ધર્મનો પ્રચાર કરે છે તેમના માટે 2025માં પ્રયાગરાજના મહાકુંભમાં પ્રતિબંધ રહેશે આ અમારો નિર્ણય છે.
તેમણે કહ્યું હતું કે પ્રયાગરાજ કુંભમેળામાં સંતોની વચ્ચે એવા લોકો ન હોવા જોઈએ, જેમના કારણે વાદ-વિવાદ કે રાગ-દ્વેષ પેદા થઈ જાય. આપણી વચ્ચે કેટલાક એવા સંતો પણ છે, જે ભગવાનનું નહીં, પરંતુ અલ્લાહનું નામ લે છે અને તેમના ધર્મનો પ્રચાર કરે છે, આવા લોકોનો વિરોધ કરવો જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter