લંડનઃ પોલીસે માત્ર આઠ મિનિટમાં લંડનબ્રિજ અને બરો માર્કેટ પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આ હુમલા સંદર્ભે પોલીસે માહિતી આપી હતી કે લંડન બ્રિજ હુમલાખોરોએ સુસાઈડ બેલ્ટ્સ પહેર્યો હોવાનું માની ત્રાસવાદીઓને ખતમ કરવા તેમના પર અધધ.. કહેવાય તેટલી ૫૦ બૂલેટ્સ વરસાવી હતી. ક્રોસફાયરમાં અકસ્માતે એક નાગરિક પણ ગોળીબારનો શિકાર બન્યો હતો. જોકે, તે વેળાસર રીકવરી કરે તેવી આશા છે.
મૃતકોની વિગતો બહાર આવી રહી છે ત્યારે સત્તાવાળાએ જણાવ્યું હતું કે ૩૬ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે, જેમાંથી ૨૧ની હાલત ગંભીર છે. પોલીસે આ હુમલા સંદર્ભે સાત મહિલા અને પાંચ પુરુષની ધરપકડ કરી છે, જેમાં ૧૯ વર્ષની નાની યુવતી અને ૬૦ વર્ષની સૌથી મોટી મહિલાનો સમાવેશ થાય છે. બાર્કિંગમાં ૩૮ વર્ષીય મહિલા અને તેની પુત્રીને પણ અટકમાં લેવાઈ હતી. આ મહિલાના ટ્યુનિશિયન પાર્ટનર વિશે પૂછપરછ કરવામાં આવી હતી. નજીકના ઈસ્ટ હામમાં પોલીસને જોઈ એક શકમંદે ફર્સ્ટ ફ્લોરના ફ્લેટની બેડરુમની બારીમાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો.