લંડનઃ ઈંગ્લેન્ડના કાનૂની ઈતિહાસમાં સૌથી મોટી નિષ્ફળતા પછી કોર્ટ ઓફ અપીલે ૩૯ પોસ્ટ ઓફિસ ઓપરેટર્સને ચોરી, છેતરપિંડી અને હિસાબોમાં ગોટાળાના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા હતા. આ નિર્ણયને પગલે આ મામલામાં સંપૂર્ણ પબ્લિક ઈન્કવાયરી અને તેમના તથા આ કૌભાંડમાં સપડાયેલા સેંકડો લોકોને યોગ્ય વળતર આપવાની માગ ઉઠી હતી. નિર્દોષ જાહેર કરાયેલા તમામ લોકો રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ બહાર નીકળ્યા હતા તેમાં કેટલાંકની આંખોમાં આંસુ હતા. તેમના સમર્થકો અને ભૂતપૂર્વ પોસ્ટ ઓફિસ વર્કર્સે તેમને ઉત્સાહપૂર્વક વધાવી લીધા હતા.
પોસ્ટ ઓફિસ દ્વારા હોરાઈઝન આઈટી સિસ્ટમ લગાવવામાં આવી તે પછી ૨૦૦૦ અને ૨૦૧૪ વચ્ચે સબ-પોસ્ટમાસ્ટર્સ તરીકે ઓળખાતા લગભગ ૯૦૦ ઓપરેટર્સ સામે ફરિયાદ થયાનું અને તેમને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હોવાનું કેમ્પેનરો માને છે. આ સિસ્ટમ ફુજીત્સુ દ્વારા સપ્લાય કરાઈ હતી. આ સિસ્ટમે રોકડ રકમમાં ઘટ પડતી હોવાનું સૂચવ્યું હતું.
દોષી ઠરેલા કેટલાંક વર્કર્સને જેલભેગા કરાયા હતા, અન્ય લોકોએ આજીવિકા અને મકાનો ગુમાવ્યા હતા. ઘણાં નાદાર થયા હતાં અને કેટલાંક તો તેઓ નિર્દોષ જાહેર થયાં પહેલા મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધી જેમને વળતર મળવાનું છે તેમને લીગલ ફી પછી ૨૨,૦૦૦ પાઉન્ડથી ઓછી રકમ મળશે.
લોર્ડ જસ્ટિસ હોલરોઈડે જસ્ટિસ પીકન અને મિસિસ જસ્ટિસ ફાર્બે સાથે લેખિત ચૂકાદામાં જણાવ્યું કે હોરાઈઝનની વિશ્વસનીયતા વિશે ગંભીર પ્રશ્રો હતા તે ફરિયાદ કરનાર પોસ્ટઓફિસ જાણતી હતી. હોરાઈઝન વિશ્વસનીય હોવાની રજૂઆત કરાઈ હતી. કોઈ પણ સૂચન સ્વીકારાયું ન હતું. POL (Post Office Limited)એ એકાઉન્ટિંગ સિસ્ટમમાં ખામી હોવાનું માન્યું જ નહીં. હોરાઈઝનનો ડેટા ચોક્કસ જ હશે અને રોકડ ખૂટતી જ હશે તેવી ધારણાને આધારે ફરિયાદ થઈ, તેમને દોષી ઠેરવાયા અને સજા પણ કરાઈ. હકીકતમાં તે ધારણાનો કોઈ આધાર ન હતો. આ કૌભાંડ માટે કોઈને જવાબદાર ઠેરવાયું નથી. ગયા વર્ષે ગવર્નમેન્ટ ઈન્ક્વાયરી હાથ ધરાઈ હતી. કેમ્પેઈનરો મુજબ તપાસ હજુ આગળ વધી નથી.
સબ-પોસ્ટમાસ્ટર્સ અલાયન્સ વિરુદ્ધ પોસ્ટ ઓફિસના સીમાચિહ્ન સિવિલ કેસ પછી ક્રિમિનલ કેસીસ રિવ્યૂ કમિશન દ્વારા ગયા વર્ષે રેફર કરાયેલા ૪૨ કેસની કોર્ટ ઓફ અપીલે કાર્યવાહી કરી હતી.
૬૨ વર્ષીય વિજય પારેખ પર ૭૮,૦૦૦ પાઉન્ડની ચોરીનો આરોપ હતો. ગુનો કબૂલ્યા પછી છ તેમણે મહિના જેલમાં વીતાવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ ગાળામાં સમગ્ર પરિવારને તકલીફ ભોગવવી પડી. તે જેલમાં હતા અને બહાર તેમના ૭૦થી વધુ વર્ષના પિતા અને તમામને અસર થઈ હતી. ઉંઘ પણ આવતી ન હતી. CRB (Criminal history)ને કારણે તેઓ ક્યાંય કામ કરી શકે તેવુ રહ્યું ન હતું. હવે તેમને નિર્દોષ છોડી મૂકાતા તેઓ જોબ શોધશે. પરંતુ હવે પોતે રિટાયરમેન્ટની ઉંમરે પહોંચી ગયા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
૨૦૦૫માં સીમા મિશ્રા સરેના વેસ્ટ બાયફ્લીટમાં પોસ્ટ ઓફિસ ઓપરેટર બન્યા હતા. ત્રણ વર્ષ પછી થયેલા ઓડિટમાં હિસાબમાં ૭૪,૦૦૦ પાઉન્ડનો તફાવત આવ્યો હતો. તેમણે આ રકમ ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૧૦માં સીમા મિશ્રા સગર્ભા હતા અને તેમને બીજું બાળક આવવાનું હતું ત્યારે તેમને ચોરીના ગુનામાં દોષી ઠેરવીને જેલ ભેગા કરાયા હતા. સ્થાનિક લોકોએ તેમના પતિને માર માર્યો હતો. આ ચૂકાદાથી તેઓ રાહતનો અનુભવ કરી રહ્યા છે.