લંડનઃ સંગીત, સમાજ અને સખાવતી સેવા તથા માનવતાવાદી કાર્યોનાં ક્ષેત્રે અનન્ય પ્રદાન આપવા બદલ ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટેરિયન ગ્રૂપ દ્વારા પ્રખ્યાત ભારતીય પાર્શ્વગાયકો કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલનું સન્માન કરાયું હતું. બુધવાર, ચોથી જુલાઈ, ૨૦૧૮ના રોજ યુકેના પાર્લામેન્ટ હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં રાજકારણીઓ, એશિયન રેડિયો, ટીવી અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો તેમજ યુકેમાં ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને કળાકાર તેમના યુકે પ્રવાસ દરમિયાન લેસ્ટર, બર્મિંગહામ અને લંડનમાં ભરચક ઓડિયન્સ સમક્ષ ધૂમ મચાવશે.
સાંસદ અને ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટેરિયન ગ્રૂપના અધ્યક્ષ વિરેન્દ્ર શર્માએ આ વિશિષ્ટ સમારંભમાંબંને કળાકારોના પાર્લામેન્ટ ગૃહમાં સ્વાગત સાથે કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલ ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં બોલીવૂડ ફિલ્મોમાં પાર્શ્વગાયન ક્ષેત્રે અગ્રેસર કળાકારો હતાં. ભારતીય સંગીત ઉદ્યોગને તેમના ઐતિહાસિક પ્રદાનની ઉજવણી કરવાનું આપણને ગૌરવ છે. આ એવોર્ડ તેમને પરફોર્મર્સના સર્વોચ્ચ ક્લાસમાં પ્રસ્થાપિત કરશે. સાંસદો તનમનજિત સિંહ ધેસી, ગેરેથ થોમસે પણ કુમાર સાનુ અને અનુરાધા પૌડવાની ગાયકી અને લોકપ્રિયતાની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના આયોજક સંજય જગતિયાએ કહ્યું હતું કે કુમાર સાનુ સતત પાંચ વર્ષ શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મેળવી ચુક્યા છે અને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી તેમનું બહુમાન કરેલું છે. અનુરાધા પૌડવાલ પણ ચાર વર્ષ શ્રેષ્ઠ ફીમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ, નેશનલ ફિલ્મ એવોર્ડ તેમજ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયાં છે.
કાર્યક્રમના ઉદ્ઘોષક અને યુકેના અગ્રણી એશિયન રેડિયો બ્રોડકાર્ટર્સમાં એક રે ખાને કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલને તેમના જીવન, સંગીતસિદ્ધિઓ અને સખાવતી કાર્યો વિશે પ્રશ્નો કર્યા હતા. આ ઉપરાંત, તેમની પાસે તેમના લોકપ્રિય ગીતોની થોડી પંક્તિઓ પણ ગવડાવી હતી. કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલને ગુલશન કુમાર દ્વારા સંગીત નિર્દેશકો નદીમ અને શ્રવણ સાથે ૧૯૯૦માં આશિકી ફિલ્મના ગીતો ગાવાની તક અપાઈ હતી. આ પછી, તેમણે પાછું વળીને જોયું ન હતું. આ પછી, તેઓએ સાજન (૧૯૯૧), ફૂલ ઔર કાંટે (૧૯૯૧), દિલ હૈ કી માનતા નહિ (૧૯૯૧), દીવાના (૧૯૯૨), દિલ કા ક્યા કસૂર (૧૯૯૨), હમ હૈ રાહી પ્યાર કે (૧૯૯૩), સૈનિક (૧૯૯૩), સપને સાજન કે (૧૯૯૩) સહિતની ફિલ્મોમાં સાથે ગાયકીના કામણ પાથર્યાં હતાં.
અનુરાધા પૌડવાલે જણાવ્યું હતું કે રેડિયો પર સાંભળેલા લતા મંગેશકરના એક ગીતથી સંગીતમાં તેમનો રસ જાગ્રત થયો હતો. કુમાર સાનુને કિશોર કુમાર સહિત ઘણા પૂર્વ મહાન ગાયકોથી પ્રેરણા મળી હતી.
યુકેના અગ્રણી ગાયક નવીન કુન્દ્રાએ કહ્યું હતું કે, ‘બંને ગાયક દરેક ઉભરતા ગાયક માટે આદર્શ અને વિશ્વના લાખો લોકો માટે નાયક સમાન છે. હું ખુદ ૧૯૯૦ના દાયકામાં કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે ગાયેલાં ગીતોથી પ્રેરણા મેળવી ભારતીય સંગીતને ગાવામાં સંકળાયો છું. તેઓ મારા માટે પ્રેરણા બની રહ્યા છે.’
કુમાર સાનુએ કચડાયેલા વર્ગના બાળકો અને લોકો માટે ‘કુમાર સાનુ વિદ્યા નિકેતન’ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે, જે દિલ્હી અને કોલકાતામાં શેરીઓમાં ભટકતાં અને કામ કરતા બાળકો માટે શિક્ષણ અને સારી સંભાળનું વાતાવરણ આપે છે. આ સંસ્થા રક્તદાન શિબિરો તેમજ દુર્ઘટના સમયે રાહત અને બચાવનું કાર્ય પણ કરે છે.
અનુરાધા પૌડવાલે કહ્યું હતું કે,‘હું સૂર્યોદય ફાઉન્ડેશન દ્વારા શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક સહાય આપવા સહિતની ચેરિટેબલ કામગીરીમાં સંકળાયેલી છું. એક ભારતીય તરીકે જીવનરક્ષક તબીબી ઓપરેશનોની જરૂર હોય તેવા વંચિત અને ગરીબ લોકોને હું સપોર્ટ કરું છું.’ આ ઉપરાંત, તેઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વીજળી અને કુપોષણ સહિતના મુદ્દાઓ ઉકેલવા સહિતના સામાજિક કાર્યોમાં જોડાયેલાં છે.