પ્રફુલ અમીનની WAAH સંસ્થાના ગુજરાતમાં 16 જિલ્લામાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સ્થપાયાં

Tuesday 16th July 2024 14:11 EDT
 
 

લંડનઃ સાહિત્ય અને કોમ્યુનિટીની કામગીરીમાં રસ ધરાવતા લોકોને એક સાથે લાવવા પ્રફુલભાઈ અમીને યુકેમાં WAAH (We Are All Humans)ની સ્થાપના કરી હતી. WAAHની સ્થાપનાનું લક્ષ્ય સમાજ અને રાષ્ટ્રને દીર્ઘકાલીન શાંતિ અને સમૃદ્ધિ સ્થાપવા માટે આવશ્યક સામાજિક કાર્યોમાં સંકળાવા માટે થઈ હતી. કોમ્યુનિટીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવો જરૂરી હોવાનું લાગતા તેમણે ભારતમાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વૈજ્ઞાનિક સવલતો પૂરી પાડવાના હેતુસર WAAHની સ્થાપના કરી હતી. જેનું કાર્ય તેજસ્વી બાળકોને પારખી તેમની ક્ષમતાના સર્વાંગી ઉપયોગમાં મદદ મળે તે હતો.

ભારતના અમદાવાદમાં 2015માં ‘વાહ’નો આરંભ કરાયો હતો. બાળકો ‘જાતે કરીને શીખો’ના અભિગમ સાથે વિજ્ઞાનને સમજે તેને ઉત્તેજન આપવા ગુજરાતની 231 શાળામાં વિજ્ઞાન પ્રવૃતિની સામગ્રી સાથેની કિટ્સ વહેંચવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા વિજ્ઞાનસ્પર્ધાઓ યોજાવા સાથે પ્રોફેસર દિનેશ ઓ. શાહના લેક્ચર્સ થકી નવી ટેકનોલોજીઓ અને વૈજ્ઞાનિક ચકાસણીને સમજાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. ‘વાહ’નો પ્રસાર વધારવા તેમજ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા 2022માં અમદાવાદની વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) સાથે સહયોગ પણ કરવામાં આવ્યો હતો. આ સહયોગનું મુખ્ય પાસુ વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ (WAAH CSCs) સ્થાપવા અને વાહ સાયન્સ લોરેટ એવોર્ડ્સના સંચાલનનું હતું.

WAAH CSCs શાળાના અભ્યાસક્રમોમાં STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીઅરીંગ, મેથ્સ) શિક્ષણને સાંકળી લેવાને સપોર્ટ કરે છે. આ ફેસિલિટીનું લક્ષ્ય ધોરણ 6-12ના વિદ્યાર્થીઓ છે. અત્યાર સુધી ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, દ્વારકા, અમદાવાદ, પાટણ, કચ્છ, સુરત, નર્મદા, વલસાડ, રાજકોટ, અમરેલી, ગાંધીનગર અને વડોદરા સહિત 16 જિલ્લામાં થઈ કુલ 28 વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સની સ્થાપના કરાઈ છે. શાળાઓમાં સ્થપાયેલા WAAH CSCથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ કોમ્યુનિટીમાં પણ વિજ્ઞાન પ્રત્યે રસ જાગવાની સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ઉભો થયો છે. ‘વાહ’ આગામી વર્ષોમાં ભારતભરમાં આવા વધુ કેન્દ્રો સ્થાપવાની આશા રાખે છે.

આ વર્ષે ‘વાહ સાયન્સ ફેલોશિપ’ પ્રોગ્રામ પણ શરૂ કરાયો છે જેનો હેતુ ભાવિ સાયન્સ એજ્યુકેટર્સને તાલીમ આપવાનો અને અસરકારક કોમ્યુનિકેશન માટેનું કૌશલ્ય વિકસાવવાનો છે. વાહ સાયન્સ લોરેટ એવોર્ડ્સનું ધ્યેય વ્યક્તિઓ અને સાયન્ટિફિક કોમ્યુનિટીને પ્રોત્સાહન આપવાનું તેમજ સામાજિક મુદ્દાઓના નિવારણ અને ઉપાયો બાબતે તેમના ઈનોવેટિવ કાર્યની કદર કરવાનું છે.વાહ સાયન્સ લોરેટ એવોર્ડ્સમાં પ્રથમ એડિશન (2022)માં શ્રેષ્ઠ 10 એન્ટ્રી અને બીજી એડિશન (2023)માં 7 એન્ટ્રીઝ આવી હતી. દરેક એડિશનમાં પ્રશસ્તિપત્ર અને દરેક એડિશન માટે 6,00,000 રુપિયાની કુલ સ્કોલરશિપ્સ એનાયત કરાઈ હતી. 2024માં જાહેર કરાયેલા એવોર્ડ્સમાં શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ફરજિયાત રખાયું નથી.

WAAH હવે ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પ્રવૃત્તિના તેના ત્રીજા વિઝનને સાકાર કરવા જઈ રહ્યું છે. ભારતમાં હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ, ફીઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) જેવી પ્રખ્યાત સંસ્થાઓ કાર્યરત છે. આમ છતાં, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા ઘણું કરવાનું રહે છે. ‘વાહ’ ભારતને અન્ય દેશોની સમકક્ષ બનાવવા R&D ઈકોસિસ્ટમના નિર્માણ થકી આ ખાઈ પૂરવા માગે છે.

પ્રફુલભાઈ અમીનનું સ્વપ્ન વાહ તેના સ્થાપક સભ્યોને સાંકળ્યા વિના આગળ વધે, વિશાળ વટવૃક્ષ જેવું બને તે જોવાનું છે. વાહનું ધ્યેય ઝડપથી પરિપૂર્ણ થાય તેની મહેચ્છા ધરાવતા પ્રફુલભાઈ ભારતના વિકાસમાં વાહ ડ્રાઈવિંગ ફોર્સ બને ત્યારે પોતાના ગુજરાતી હોવાનો ગર્વ મહેસુસ કરશે.

WAAH'ની તો વાહ, વાહ!

નોંધઃ (વિગતવાર અહેવાલ માટે વાંચો આ સપ્તાહનું Asian Voice)

 

જમાલપુરની F. D. હાઈ સ્કૂલમાં WAAH CSCનું ઉદ્ઘાટન

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં 11 જુલાઈ 2024ના દિવસે ફાલાહે ડારાઈન (F. D.) હાઈ સ્કૂલ ફોર બોઈઝ ખાતે 26મા વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (WAAH CSC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શાળાનું સંચાલન ફાલાહે ડારાઈન એજ્યુકેશન સોસાયટી દ્વારા કરાય છે આ ટ્રસ્ટ થકી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અનેક શાળાઓ અને કોલેજોમાં થઈ આશરે 18000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઉદ્ઘાટન સમારંભમાં F. D. એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ, WAAH, VASCSCની ટીમ અને વિવિધ શાળાઓ અને કોલેજોના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભ પછી VASCSC રિસોર્સીસ પર્સન્સ દ્વારા શાળાના શિક્ષકોને સાયન્સ અને મેથ્સના કોન્સેપ્ટ્સની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે હ્યુમન આઈ મોડેલ વિશે વર્કશોપ પણ ચલાવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter