પ્રબીરની ‘લિટલ કોલકાતા’ લંડનવાસીનું હૃદય જીતવા બંગાળી વાનગીઓ સાથે સજ્જ

રુપાંજના દત્તા Tuesday 05th September 2017 05:33 EDT
 
 

લંડનઃ વર્ષોથી યુકેમાં બાંગલાદેશી રેસ્ટોરાંમાં ભારતીય અથવા બંગાળી વાનગીઓ પીરસાતી આવી છે પરંતુ, તેનો સ્વાદ મૂળ ભારતીય-બંગાળીથી તદ્દન અલગ જ રહે છે. ગત ૭૦ વર્ષથી અત્યાર સુધી આવી વાનગીઓને કોઈ પડકાર અપાયો નથી. જોકે, પ્રબીર ચટ્ટોપાધ્યાય સહિત કોલકાતાના પ્રતિભાશાળી યુવાનોએ યુકેમાં ‘અસલ બંગાળી’ ફૂડ પીરસવાના પડકારનું મિશન ઉપાડી લીધું છે.રોબીનું હુલામણુ નામ ધરાવતા પ્રબીર વર્ષોથી લંડનમાં પોપ-અપ્સ કરતો આવ્યો છે અને તેનું આગામી પ્રોપ-અપ લંડનબ્રિજ નજીક 299 Borough High Street ખાતે ૧૦ સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યું છે.

પ્રબીરની બ્રાન્ડ ‘લિટલ કોલકાતા’ તરીકે જાણીતી છે, જેમાં આ વખતે ૯ કોર્ષ સહિતની બંગાળી વાનગીઓ રજૂ કરાશે. પ્રબીરની સ્પર્ધા શ્રીમોયી ચક્રબોર્તીના રેસ્ટોરાં ‘Calcutta Street’ અથવા અસ્મા ખાનનાં રેસ્ટોરાં ‘'Darjeeling Express’ સાથે જ રહેશે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં પ્રબીરે જણાવ્યું હતું કે ‘હું સેન્ટ્રલ લંડનમાં મારું પોતાનું ‘લિટલ કોલકાતા’ રેસ્ટોરાં સ્થાપવાની તૈયારીમાં છું. લંડનમાં કોલકાતા અથવા બંગાળી વાનગીઓ માટે વિશાળ બજાર છે. ‘Calcutta Street’ ઘરેલું શૈલીના બંગાળી ફૂડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે મારી બ્રાન્ડ ‘લિટલ કોલકાતા’ અલાયદી જ છે, જેમાં કેન્ટીન સ્ટાઈલથી ઝડપી અને તાજી તૈયાર કરાયેલી વાનગી ઓફર કરાશે.’

કોલકાતાના ૧૫મી સદીના કાલીઘાટ મંદિરના મુખ્ય પુરોહિત પેઢીના વંશજ પ્રબીરે મર્ચન્ટ નેવી ઈજનેરની તાલીમ મેળવવાની સ્કોલરશિપ સાથે ૧૮ વર્ષની વયે કારકીર્દિનો આરંભ કર્યો હતો. વિવિધ સંસ્કૃતિ અને વાનગીઓ ધરાવતા ૧૧ દેશોના પ્રવાસ પછી તેણે કશુંક ઘરેલુ હોય તેમાં આગળ વધવા નિર્ણય કર્યો હતો. બાળપણથી જ મંદિર અને ઘર માટે વિવિધ બંગાળી વાનગીઓ તૈયાર કરતી માતાને જોઈને ઉછરેલા પ્રબીરને રસોઈકળા શીખવાનો નાદ લાગ્યો હતો. રાંધવાની વિવિધ પ્રક્રિયાઓ વેળા માતાને મદદ કરવી અને વિવિધ સોડમનો અનુભવ તેના માટે ખાસ બની રહ્યો હતો.

પ્રબીર તેના માસ્ટર્સ ઈન ઓપરેશન્સ એન્ડ સપ્લાય ચેઈનનો અભ્યાસ પૂર્ણ કરવા ૨૦૦૬માં યુકે આવ્યો હતો. તેણે વિદ્યાર્થી તરીકે પિઝા એક્સપ્રેસમાં કિચન પોર્ટર તરીકે કામગીરી આરંભી હતી અને પાછળથી બેલા ઈટાલિયામાં આસિસ્ટન્ટ મેનેજર બન્યો હતો. આના પરિણામે ફૂડ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીનો સારો અનુભવ હાંસલ થયો હતો.

માસ્ટર્સમાં સારા સ્કોર હાંસલ કર્યા પછી પ્રબીરે યુકેની વિવિધ પ્રોડક્ટ વેલ્યુ ચેઈન્સમાં કામગીરી બજાવી હતી. આજે તે એર્કાડિયા ગ્રૂપમાં યુકે અને આયર્લેન્ડ માટે લોજિસ્ટિક્સ મેનેજરના હોદ્દાએ પહોંચ્યો છે. પ્રબીર માને છે કે ‘લોજિસ્ટિક્સ’ અને ‘ઓપરેશન્સ’ સફળ બિઝનેસના ચાવીરુપ ઘટકો છે. તેણે આટલા વર્ષો દરમિયાન ઉત્પાદનોની જાણકારી, કાચી સામગ્રી સારી, સસ્તી અને ઝડપી રીતે ક્યાંથી મેળવી શકાય, ફેરિયાઓ સાથે વાતચીત સહિતની કુશળતા શીખી છે.

પ્રબીરે ૨૦૦૮માં નોર્થ લંડનના કિલબર્નમાં સ્થળાંતર કર્યા પછી દિવાળી અને હેલોવિનના સાથે આવેલા ઉત્સવને ઉજવવા પ્રથમ મોટી ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું અને બીજા દિવસની સવારે મહેમાનો માટે ભારતીય બ્રેકફાસ્ટ બનાવ્યો હતો, જેને ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી. રસોઈ તરફ ભારે પ્રેમ અને માતૃભૂમિની યાદ તેને ૨૦૧૬માં પોતાની બ્રાન્ડ ‘લિટલ કોલકાતા’ની સ્થાપના તરફ દોરી ગઈ હતી. તેણે જુલાઈ ૨૦૧૭માં દાદીમાનાં કિચન, કલકત્તા પર મુગલ અને બ્રિટિશ આક્રમણના પરિપાકરુપ વિશિષ્ટ વાનગીઓ અને સ્ટ્રીટ ફૂડ, સદીઓ પુરાણી કોલકત્તા પેસ્ટ્રીઝની બનાવટો લોકો સમક્ષ રજૂ કરી હતી. આ પછી તેને વિશાળ ફૂડ ફેસ્ટિવલ્સનો હિસ્સો બનવાના આમંત્રણો પણ મળવા લાગ્યા હતા.

હવે પ્રબીરની ઈચ્છા અને આયોજન ‘લિટલ કોલકાતા’ને કાયમી જગ્યા પર ઓપન કરવાનું છે. તેની કલ્પના તો વિશ્વના દરેક મુખ્ય શહેરોમાં ‘લિટલ કોલકાતા’ને ખોલવાનું છે જેથી દરેક પરિવાર પોતાના જ શહેરમાં બંગાળી વાનગીઓનો અસલ આસ્વાદ માણી શકે.     


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter