લંડનઃ પ્રાણીજ ચરબી ધરાવતી પાંચ અને દસ પાઉન્ડની પોલિમર બેન્કનોટ્સનું ઉત્પાદન ચાલુ રાખવા તેમજ આવી ૨૦ પાઉન્ડની નવી પોલિમર નોટ જારી કરવાના બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નિર્ણયથી સમગ્ર વિશ્વના હિન્દુઓમાં રોષ અને કચવાટની લાગણી પ્રસરી છે. શાકાહારીઓ અને ધાર્મિક જૂથોના વિરોધને અવગણીને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ૧૦ ઓગસ્ટે અખબારી યાદીમાં જાહેર કર્યું હતું કે પ્રાણીજ ચરબીના અંશો ધરાવતી ૨૦ પાઉન્ડની નવી પોલિમર નોટ દાખલ કરાવા સાથે પાંચ અને ૧૦ પાઉન્ડની પોલિમર નોટ્સનું ઉત્પાદન ચાલુ રખાશે.
હિન્દુ નેતા અને યુનિવર્સ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે નેવાડા ખાતે નિવેદનમાં જણાવ્યું હતું કે હિન્દુ કોમ્યુનિટીની ઘવાયેલી લાગણીને માન આપવાના બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ઈનકારથી સમગ્ર વિશ્વના હિન્દુઓને આઘાત પહોંચ્યો છે. જાહેર ક્ષેત્રમાં સમાનતાની ફરજમાં બેન્ક હિન્દુઓને કોઈ ગણનામાં લેતી નથી. તેમણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડના કોર્ટ ઓફ ડાયરેક્ટર્સના અધ્યક્ષ એન્થની હેબગૂડ અને ગવર્નર માર્ક કાર્નીને નિર્ણયની સમીક્ષા કરી પોલિમર નોટ્સનું ઉત્પાદન અને સર્ક્યુલેશન અટકાવી દેવા અપીલ કરી હતી
પાંચ અને ૧૦ પાઉન્ડની પોલિમર નોટ્સનાં ઉત્પાદનમાં બીફ અથવા પ્રાણીજ ચરબીના અંશનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાય પવિત્ર ગણાય છે અને ધર્મસ્થાનોમાં બીફનો ઉપયોગ નિષિદ્ધ છે. પ્રાણીજ ઉત્રપાદનોનો ઉપયોગ અટકાવવાની બેન્કને હાકલ કરતી પિટિશનમાં ૧૩૦,૦૦૦થી વધુ લોકોએ સહી કરેલી છે. ઘણા હિન્દુ મંદિરોએ દાનમાં પણ અને રેસ્ટોરાંએ પાંચ પાઉન્ડની પોલિમર નોટ્સ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
મધ્યસ્થ બેન્કે જણાવ્યું છે કે પામ ઓઈલમાંથી વૈકલ્પિક નોટના ઉત્પાદનમાં પર્યાવરણીય જોખમો રહેલાં છે અને તે વધુ ખર્ચાળ છે. ગયા વર્ષે ચલણમાં મૂકાયેલી પોલિમર નોટ્સ વધુ ટકાઉ હોવા સાથે તેની નકલ કરવી મુશ્કેલ છે. પામ ઓઈલથી નોટ્સના ઉત્પાદનમાં મિન્ટને ૧૦ વર્ષના ગાળામાં ૧૬.૫ મિલિયન પાઉન્ડનો વધારાનો ખર્ચ કરવો પડે તેમ છે. પોલિમર નોટ્સમાં પ્રાણીજ ચરબીના ૦.૦૫થી ઓછાં અંશ હોવાનો દાવો પણ બેન્કે કર્યો હતો. નવી ૨૦ અને ૧૦ પાઉન્ડની પોલિમર નોટ્સ સપ્ટેમ્બરમાં બહાર પાડવાની યોજના છે.