લંડનઃ પૂર્વ રાજદ્વારી, યુકે રિસર્ચ એન્ડ ઈનોવેશન (UKRI) બોર્ડના સભ્ય અને મહિલાઓના નેતૃત્વ સાથેના ઈનોવેશન્સમાં રોકાણો કરતા મેરિઅન વેન્ચર્સમાં વેન્ચર પાર્ટનર પ્રિયા ગુહા MBE એ સોમવાર 20મેએ ઈન્ડિયા હાઉસ ખાતે આયોજિત કાર્યક્રમમાં બેરોનેસ ઉષા પ્રાશર પાસેથી FICCI UK કાઉન્સિલના ચેરપર્સન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. આ કાર્યક્રમ યુકે-ભારત વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા બદલ બેરોનેસ ઉષા પ્રાશરને બિરદાવવાં પણ યોજાયો હતો.
RAFના સહકારમાં એશિયન વોઈસ અને ગુજરાત સમાચારના ‘વિમેન ઈન કન્વર્ઝેશન’માં પેનલિસ્ટ તરીકે ભાગ લેનારાં પ્રિયા ગુહાએ જણાવ્યું હતું કે, ‘ક્રીએટિવ ઈન્ડસ્ટ્રીઝમાં સંશોધન અને પહેલની ભૂમિકા, ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આશા છે ત્યારે વેપાર ભાગીદારી અને તકો વિશે વિચારીને હું આ ભૂમિકા હાથમાં લઈ રહી છું. વાસ્તવિકતા એ છે કે આપણે ઈન્ડિયા-યુકે ઈન્ડસ્ટ્રી એડવાઈઝરી ગ્રૂપના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે ઘણા લોકો સાથે કામ કરવા સક્ષમ હોવાથી જ આ બધી બાબતો બની રહી છે. બિઝનેસની ભૂમિકા બંને પક્ષ માટે આર્થિક વૃદ્ધિમાં નક્કર યોગદાન આપવાની રહે છે અને ભારત-યુકે સંબંધોમાં આ બાબત હાજર જ છે.’
બેરોનેસ ઉષા પ્રાશરે મહાત્મા ગાંધીને અંજલિ આપતાં કહ્યું હતું કે,‘ બિઝનેસની નૈતિકતા અને હેતુઓ સંદર્ભ ગાંધીજીની સલાહ પરથી જ FICCIની સ્થાપના થઈ હોવાથી મેં ચેરપર્સનની ભૂમિકા સ્વીકારી હતી. મારાં માટે બીજું કારણ ભારે ઝડપથી બદલાઈ રહેલા યુકે-ભારતના સંબંધો હતા. એજ્યુકેશન, રિસર્ચ, ઈનોવેશન, એન્ટરપ્રાઈઝ, ગ્રીન ફાઈનાન્સ, સસ્ટેનેબલ ફંડિંગ સહિતના ક્ષેત્રોમાં બહેતર સહકારના નિર્માણની બાબતો પણ હતી.’
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે,‘ આપણે ગત થોડાં મહિનાઓમાં દ્વિપક્ષી સંબંધોમાં આગળ વધવા સફળ થયા છીએ તેનો યશ કઈંક અંશે બેરોનેસ પ્રાશરને પણ જાય છે.’