લંડનઃ યુકે-ભારતના સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસોની કદરરુપે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલને આ વર્ષના ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પ્રીતિ પટેલને ૨૦૧૩માં સૌપ્રથમ યુકે-ઈન્ડિયા ડાયસ્પોરા ચેમ્પિયન તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. એવોર્ડ મેળવી ખુશખુશાલ મિસ પટેલે આભાર વ્યક્ત કરી વર્તમાન અને ભાવિ પડકારોને પહોંચી વળવા કેવી તૈયારી અને પ્રયાસો કરવા જોઈએ તેના વિશે વાત કરી હતી. યુકે અને ભારત પાસે ગાઢ સંબંધો અને મજબૂત ભાગીદારીના નિર્માણની અનોખી તક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, ‘એવોર્ડ મેળવતાં હું ગૌરવ અનુભવું છું. મારી કારકીર્દિ દરમિયાન સાંસદ, કેબિનેટ મિનિસ્ટર અને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તરીકેની ભૂમિકામાં યુકે ભારતીય ડાયસ્પોરા તેમજ આપણા બે મહાન દેશો વચ્ચે સંબંધોની હિમાયત કરવાનો વિશેષાધિકાર સાંપડ્યો છે. અનિશ્ચિતતાઓના વિશ્વમાં વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહીએ ખભા મિલાવીને ચાલવું જોઈએ. વ્યક્તિઓ, પરિવારો, કોમ્યુનિટીઓ, શહેરો, સંસ્થાઓ અને સંગઠનો વચ્ચે હજારો પ્રકારના સંબંધો અને આદાનપ્રદાન સર્જાતાં છે, જે બંને રાષ્ટ્રો અને વ્યાપકપણે વિશ્વ માટે સારું જ છે.’
આ એવોર્ડ માટે પ્રીતિ પટેલને નોમિનેટ કરતા ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ એમ.એન. વેંકટચેલૈયાહે જણાવ્યું હતું કે, ‘પ્રીતિના ઉદાહરણરુપ નેતૃત્વથી આપણા બે મહાન રાષ્ટ્રો વચ્ચે સંબંધોની વૃદ્ધિ અને વિકાસનો ભારે લાભ થયો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જવાબદાર નેતા તરીકે તેમના પ્રદાનથી યુકે-ભારત સંબંધોની મજબૂતી અને યુકેમાં ભારતીય ડાયસ્પોરાને ટેકાથી અન્ય નેતાઓને અનુસરણની પ્રેરણા આપી છે.’
ગોલ્ડન પીકોક એવોર્ડ્સની સ્થાપના ૧૯૯૧માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા કરવામાં આવી હતી. ભારતનું યુકેમાં ઈન્વેસ્ટમેન્ટ બાકીના ઈયુ દેશોમાં સંયુક્ત રોકાણથી પણ વધુ છે. યુકેમાં ૮૦૦થી વધુ ભારતીય કંપનીઓ કાર્યરત છે અને યુકે માટે ૪૭.૫ બિલિયન પાઉન્ડની રેવન્યુ રળી આપવા સાથે ૧૧૦,૦૦૦ નોકરીઓમાં રોજગાર આપે છે.