લંડનઃ મોટા પાયે શરાબી લોકોને આકર્ષતા સાઉથોલના વેશ્યાગૃહને પડોશીઓની ફરિયાદના કારણે પોલીસે પહેલી ડિસેમ્બર, શુક્રવારે બંધ કરાવ્યું હતું. મેટ્રોપોલીટન પોલીસે સાઉથોલની ક્લેરેન્સ સ્ટ્રીટની પ્રોપર્ટી બંધ કરાવવા ઈલિંગ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ પાસેથી આદેશ મેળવ્યો હતો.
આ સ્થળે સ્પ્રિંગમાં વેશ્યાગૃહ ખુલ્યું હતું પરંતુ, પોલીસની દખલના કારણે વેશ્યાઓ ત્યાંથી જતી રહી હતી. જોકે, ઓગસ્ટ્માં તેઓ પાછી ફરવાથી પડોશીઓનું જીવન હરામ થઈ ગયું હતું. શરાબી પુરુષોના જૂથની અવરજવર વધી ગઈ હતી અને અડધી રાત્રે તેઓ પડોશના લોકોનાં મકાનો પર પહોંચતા હતા અને કામ પરથી આવતી-જતી સ્ત્રીઓને હેરાન કરતા હતા. આ ઉપરાંત, પોલીસને ડ્રગ્સના ઉપયોગ, હ્યુમન ટ્રાફિકિંગ, ખોટી ઓળખ અને જાતીય હુમલાઓની પણ ફરિયાદો મળી હતી.
ઈલિંગ પોલીસે ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ અને ફરિયાદોના આધારે ક્લોઝર ઓર્ડરનો કેસ તૈયાર કર્યો હતો. લેન્ડલોર્ડ્સના પ્રતિનિધિઓએ ઓર્ડરનો વિરોધ કર્યો હતો પરંતુ, તેમનો બચાવ નબળો રહ્યો હતો. ઈલિંગ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે સાઉથોલ પ્રોપર્ટીને ત્રણ મહિના બંધ કરાવવા ઓર્ડર આપ્યો હતો. લાંબા સમયથી ત્રાસ અનુભવતા સ્થાનિક લોકોને આનાથી મોટી રાહત થઈ હતી.