લંડનઃ સમગ્ર યુકેમાં ફાર્માસિસ્ટ્સ પેશન્ટ્સ અને NHSને અમૂલ્ય સેવા આપી રહ્યા છે. તાજેતરમાં જ ફાર્મસીઓને વળતરમાં ભારે ઘટાડો કરવા NHSની દરખાસ્ત સહિત અન્ય બાબતોએ ગંભીર સંજોગો ઉભાં કર્યાં છે. સાંસદો અને ઓલ પાર્ટી ફાર્મસી ગ્રૂપના સભ્યો સાથેની બેઠકમાં ૨૦૧૬-૨૦૧૭ના નાણાકીય વર્ષમાં સરકાર દ્વારા ભંડોળમાં છ ટકાનો કાપ મૂકવાની તૈયારીને જોતા ૧૦૦૦થી ૩૦૦૦ જેટલી ફાર્મસી બંધ થઈ શકે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી.
આરોગ્ય સેવાઓમાં ૨૦૨૦ સુધીમાં સમગ્રતયા ૨૨ બિલિયન પાઉન્ડની બચત કરવાના ભાગરુપે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ વર્તમાન ફાર્મસી ખર્ચ ૨.૮ બિલિયન પાઉન્ડથી ઘટાડી ૨.૬૩ બિલિયન પાઉન્ડ કરવા માગે છે. સરકારે ઓક્ટોબર ૨૦૧૬થી અમલમાં આવનારા કાપ માટે સજ્જ થવા કોમ્યુનિટી ફાર્મસીઓને તૈયારીનો સમય આપ્યો છે.
સંખ્યાબંધ ફાર્માસિસ્ટ્સ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આગામી કાપના પરિણામો અને સ્થાનિક કોમ્યુનિટીઓને સેવાના નુકસાન વિશે લોકોને જાગૃત કરવા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’નો સંપર્ક સાધવામાં આવ્યો છે.
જો આપની પાસે આ મુદ્દા સંબંધિત કોઈ સમાચાર કે ચિંતાજનક બાબતોની માહિતી હોય તો [email protected] પર રોવિન જ્યોર્જનો સંપર્ક કરવા વિનંતી છે.