લંડનઃ ડાયાબીટીસથી પીડાતા ૮૫ વર્ષીય પિતા ધીરજલાલ દેસાઈને ફ્રૂટ સ્મૂધીમાં મોર્ફિનનો જીવલેણ ડોઝ તેમજ ઇન્સ્યુલીનનું ઇંજેક્શન આપીને હત્યા કરવાના આરોપમાંથી ફાર્માસિસ્ટ બીપીન દેસાઈને મુક્ત કરવા હાઈ કોર્ટ જજ જસ્ટિસ ગ્રીને જ્યૂરીને આદેશ કર્યો હતો. બે સપ્તાહની ટ્રાયલમાં બીપીન દેસાઈએ પિતાની હત્યા કરી હોવાનો ઈનકાર કર્યો હતો પરંતુ, તેમને આત્મહત્યામાં મદદ કરી હોવાનું સ્વીકાર્યું હતું. જજે આપઘાતમાં મદદ કરવાના ગુનામાં તેમને નવ મહિનાની જેલની સસ્પેન્ડેડ સજા જાહેર કરી હતી. જજે ૫૯ વર્ષના બીપીન દેસાઈની પિતા પ્રત્યે કરુણા અને દયાભાવની પ્રશંસા કરી હતી.
જસ્ટિસ ગ્રીને ચુકાદો આપ્યો હતો કે દેસાઈના પિતા મૃત્યુ ઈચ્છતા હતા. તેમણે જ્યૂરીને નોટ ગિલ્ટી ચુકાદો આપવા સૂચના આપી હતી. દેસાઈ સામે ઈન્સ્યુલિન અને મોર્ફિનની ચોરી સંબંધેના બે આરોપ પણ હતા. જજે આ ચોરીને નગણ્ય ગણાવી જેલની સજા માત્ર આસિસ્ટેડ સુસાઈડ માટે હોવાનો નિર્દેશ કર્યો હતો. જજે જણાવ્યું હતું કે, ‘પિતાની સારસંભાળ રાખનારા તરીકે તમારા મનમાં મદદનું આખરી કૃત્ય કરવાની જવાબદારી, દયા અને કરુણા જ હતાં. તમારા પિતા મૃત્યુની ઈચ્છા રાખતા હતા. તેમના માટે મૃત્યુ પામવામાં મદદ તેમની પત્નીને મળવા સ્વર્ગમાં જવા તેમજ તેમની પીડા-દુઃખમાંથી મુક્તિની ઈચ્છા પૂર્ણ થવાની હતી. હત્યાના ખોટા આરોપની અસર ભારે રહી હતી.’
જસ્ટિસ ગ્રીને જણાવ્યું હતું કે, ‘ચોરી નગણ્ય હતી અને કેસમાં તેનો હિસ્સો ઘણો નાનો હતો. ફાર્મસીના માલિકે પણ તેમની જુબાનીમાં તમને પ્રામાણિક, સન્માનીય વ્યક્તિ ગણાવ્યા હતા. તેમને મોર્ફિનની નાની બોટલ કે ઈન્સ્યુલિનના નાના પ્રમાણની કોઈ દરકાર ન હતી. તમે હવે તમારા પરિવાર પાસે જઈ તમારા જીવનને પુનઃ આગળ ધપાવવા માટે મુક્ત છો.’ જજે દેસાઈએ પિતાને જીવનનો અંત લાવવામાં મદદ કરી હોવાની સુનાવણી કરાયા છતાં તેમને હત્યામાં સંડોવતી ટ્રાયલ અટકાવી દેવાનો ચુકાદો આપ્યો હતો.
ધીરજલાલ દેસાઈએ ૨૦૦૩માં પત્ની અને ૨૦૧૦માં માનીતા શ્વાનના મૃત્યુ પછી આપઘાતમાં મદદ હાંસલ કરવાના અનેક પ્રયાસ કર્યા હતા. બીજી તરફ, બચાવપક્ષની વકીલ નટાશા વોંગ QC એ ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટ સમક્ષ બીપીન દેસાઈના પત્ની દીપ્તિ દેસાઈએ લખેલો પત્ર રજૂ કર્યો હતો, જેમાં તેમના પતિએ પણ ઘણી વખત આપઘાતના પ્રયાસ કર્યા હતા અને તેઓ કોચલામાં પુરાઈ ગયા હતા, કોઈની સાથે વાત કરતા ન હતા તેમ જણાવ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૫ પછી બધાનું જીવન તદ્દન બદલાઈ ગયું હતું. બીપીન દેસાઈ તેમની આંખ સમક્ષ ભાંગી પડ્યા હતા. તેમના જીવનમાં કોઈ ખુશી ન હતી અને માત્ર જીવન ધસડતા જતા હતા. પિતાને ગુમાવવાનો શોક પણ વ્યક્ત કરી શકતા ન હતા.
મિસ વોંગે દેસાઈના મોટા પુત્ર નિખિલે લખેલું નિવેદન પણ રજુ કર્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે તેના દાદાએ જીવનનો અંત લાવવા તેની પાસે પણ મદદ માગી હતી. તેમણે સ્વર્ગમાં જવા મારી મદદ માગી તે મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો તેમ નિવેદનમાં જણાવાયું હતું. બીપીન દેસાઈના ઓટિઝમથી પીડાતા અન્ય પુત્ર સમીરે પણ અન્ય નિવેદનમાં તેના પિતાને જેલની સજા ન કરવા જજને આજીજી કરી હતી. ડિફેન્સ બેરિસ્ટર્સ નતાશા વોંગ QC અને માઈકલ ફિલ્ડે દલીલ કરી હતી કે પ્રોસીક્યુશનનો કેસ એટલો નબળો છે કે કોઈ પણ સમજદાર જ્યુરી યોગ્ય સજા આપી શકશે નહિ.
જસ્ટિસ ગ્રીને પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ‘પ્રોસીક્યુશન પાસે હત્યાનો પુરાવો અપૂરતો છે. મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવતા તેમના પિતાએ વારંવાર આરોપી પાસે મરવામાં સહાયની માગણી કરી હતી. છેલ્લે ક્રિસમસ ૨૦૧૪ કે તેની આસપાસના ગાળામાં આવી માગણી કરી હતી. તેઓ દરરોજ આવી વિનંતી કરતા હતા. સદા માટે ઊંધી જવાય તેવી દવા આપવા તેમણે પુત્રને કહ્યું હતું. આ વાતને કોઈ સમર્થન ન હોવાની પ્રોસીક્યુશનની દલીલ હું ફગાવી દઉં છું.’
‘અગ્નિપરીક્ષાનો આખરે અંત આવ્યો’ઃ બીપીન દેસાઈ
પિતાની હત્યાના આરોપમાંથી મુક્ત કરાયા પછી બીપીન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘અમારા સમગ્ર પરિવાર માટે ગત બે વર્ષ ભારે તણાવપૂર્ણ રહ્યા હતા. આખરે અગ્નિપરીક્ષાનો અંત આવ્યો હોવાથી ભારે રાહત થઈ છે. મારા પરિવાર, મિત્રો, સાથીઓ અને પડોશીઓ દ્વારા મને મળેલા અભૂતપૂર્વ સપોર્ટથી હું દ્રવિત થયો છું અને આ માટે સદા તેમનો આભારી રહીશ. હવે અમે સાથે મળીને નવેસરથી જીવન જીવીશું અને જેમને અમે બાપુજી કહેતા હતા તેવા મારા પિતા માટે શોકાતુર રહીશું.’
દેસાઈના સોલિસિટર, ફ્રીમેન્સ સોલિસિટર્સના કિશોરી કોટેચા-પાઉએ કોર્ટની બહાર જણાવ્યું હતું કે, ‘આ ઘણો દુઃખદ કેસ છે. અસંખ્ય લોકો મિ. દેસાઈના દયાભાવ અને પિતા પ્રત્યે પ્રેમ સંબંધે ચારિત્ર્ય પ્રમાણપત્ર આપવા આગળ આવ્યા હતાં. તેમાંથી ઘણા તો કોર્ટમાં પણ સપોર્ટ આપવા હાજર રહ્યા હતા.
સરેના વૈભવી વિસ્તાર ડોકેનફિલ્ડમાં રહેતા સીનિયર ફાર્માસિસ્ટ બીપીન દેસાઈના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઈ ગયા વર્ષે તા. ૨૭ ઓગસ્ટના રોજ ૧.૩ મિલિયન પાઉન્ડના પારિવારિક ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.