લંડનઃ પોતાના બોયફ્રેન્ડ સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ૩૭ વર્ષના ફાર્માસિસ્ટ મિતેશ પટેલે તેની ૩૪ વર્ષીય પત્ની જેસિકા પટેલને પ્લાસ્ટિક શોપિંગ ટેસ્કો બેગથી ગળું દબાવીને રુંધી નાખી હોવાનો આરોપ ટીસ્સાઈડ ક્રાઉન કોર્ટની જ્યૂરી સમક્ષ મૂકાયો છે. દંપતીના મિડલ્સબરોના ઘરમાં મે મહિનામાં જેસિકા પટેલ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. મિતેશ પટેલે તેના પરના ખૂનના આરોપ નકાર્યા છે. બીજી તરફ, પ્રોસીક્યુશને આક્ષેપ લગાવ્યો હતો કે આ મૃત્યુથી તેઓ બે મિલિયન પાઉન્ડનું લાઈફ ઈન્સ્યુરન્સ પેમેન્ટ મેળવી શકે તે માટે હત્યા કરાઈ હતી. ટ્રાયલ હજુ ચાલી રહી છે.
જેસિકા પટેલના પિતા અને બહેનોએ કોર્ટને જણાવ્યું હતું કે મિતેશ સાથે મુલાકાત થઈ ત્યારે તે અમને ગળે વળગી ગયો હતો. પ્રોસીક્યુશનનો આક્ષેપ છે કે મિતેશ પટેલે પત્નીની હત્યા કર્યા પછી ઘરમાં ચોરી થયાનું તરકટ ઉભું કર્યું હતું. જુબાની આપતાં મિનલ પટેલે હત્યા પછી મિતેશ સાથે મુલાકાત થયાનું જણાવ્યું હતું, જ્યારે પોલીસ તેને સાક્ષી તરીકે જ ગણી રહી હતી. તેણે મિનલને કહ્યું હતું કે,‘જો મને કદી હત્યારો મળી જશે તો તેનું ખૂન કરી નાખીશ.’ આ પછી તેણે પરિવારજનોને વળગી હત્યાની રાત્રે શું થયું હતું તેના વિશે જણાવ્યું હતું.
અગાઉ, કોર્ટને જણાવાયું હતું કે, મિ. પટેલ ડેટિંગ એપ મારફત મળેલા પુરુષોના કારણે પોતાની પત્ની સાથે છેતરપિંડી કરતો હતો અને પોતાના પુરુષ પ્રેમી સાથે ઓસ્ટ્રેલિયામાં નવું જીવન શરુ કરવા ઈચ્છતો હતો. પટેલ પાસે હત્યા કરવાના ઘણાં કારણ કે હેતુ હતાં. પ્રોસીક્યુશન ધારાશાસ્ત્રી નિકોલસ કેમ્પબેલ QCએ જણાવ્યું હતું કે આરોપીએ દાવો કર્યો હતો કે તે ઘેર આવ્યો ત્યારે તેમના મકાનમાં ચોરી થયેલી હતી તેમજ તેની પત્નીના હાથ ડક્ટ ટેપથી બંધાયેલા હતા. જોકે, મિ. કેમ્પબેલે કહ્યું હતું કે ઘૂસણખોરની વાર્તા ‘જૂઠી’ હતી અને મિ. પટેલે જ હત્યા કર્યા પછી ટેપ લગાવી હતી. ખોટી એલિબી ઉભી કરવા તે ઘરની બહાર જતો રહ્યો હતો અને ઘરને રમણભમણ કરી હત્યાનું ચિત્ર ઉભું કર્યું હતું