બર્મિંગહામઃ અમુક પ્રકારની ફીશની એલર્જી ધરાવતા અલ હીજરાહ સ્કૂલના નવ વર્ષના બાળક મોહમ્મ્દ ઈસ્માઈલ અશરફનું સ્કૂલના ડિનરમાં ફીશ ફિંગર ખાધા પછી મૃત્યુ થયું હતું. મોહમ્મદ અગાઉ પણ નિયમિત ફીશ અને ચીપ્સ ખાતો હતો અને તેને ક્યારેય રિએક્શન આવ્યું ન હતું.
બર્મિંગહામ કોરોનર્સ કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે સ્કૂલને તેના ખોરાકના નિયંત્રણોની માહિતી હતી. પરંતુ, તે બીમાર પડી જાય તો તેની સંભાળ કેવી રીતે રાખવી તેના પ્લાન વિશે કેન્ટિનના કોઈ સ્ટાફે વાંચ્યુ ન હતું. કેટરિંગ કોન્ટ્રાક્ટર કેટરલિંકના મેનેજર ડેબોરા પાર્કે જણાવ્યું હતું કે સ્ટાફને માત્ર એટલી ખબર હતી કે મોહમ્મદ ડેરી પ્રોડક્ટ્સ ખાઈ શકતો નથી. ફીશ ખાધા બાદ તે બીમાર પડી ગયો હતો અને હાર્ટલેન્ડ્સ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.